OBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી

નવી દિલ્હીઃ ઓબીસી રિઝર્વેશન યોગ્ય રીતે લાગુ પડ્યું છે કે નહીં અને તેનો ફાયદો તમામ જાતિઓ સુધી પહોંચી રહ્યો છે કે નહીં? જેવા સવાલોનો જવાબ જાણવા માટે રચવામાં આવેલા કમિશન ઓફ એક્ઝામિન સબ-કેટેગરાઈઝેશન ઓફ ઓબીસીએ બહુ અગત્યનો નિર્ણય લીધો છે. બહુ જલ્દી ઓબીસી અનામત હેઠળ કેટલીક વિશેષ જાતિઓ માટે ૮-૧૦ટકા અલગથી અનામત આપવાની તૈયારી થઈ ગઈ છે.

કમિશનના રિપોર્ટ અનુસાર, ઓબીસીની ૧૯૦૦ એવી જાતિઓ છે જેમના સુધી અનામતનો ફાયદો હજુ પણ પહોંચ્યો નથી. કમિશનને જાણવા મળ્યું છે કે, કેન્દ્ર સરકારની યાદીમાં સ્થાન પામેલી વર્તમાન ૨૬૩૩ ઓબીસી જાતિઓમાંથી ૧૯૦૦ એવી છે, જેમને ૨૭ ટકા અનામત હોવા છતાં પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું નથી. આ જાતિઓમાં આવતા ૩ ટકાથી પણ ઓછા લોકો ઓબીસી અનામત હેઠળ મળતી નોકરીઓમાં ભાગીદારી ધરાવે છે.

૨ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટના રિટાયર્ડ જસ્ટિસ જી. રોહિણીની અધ્યક્ષતામાં એક કમિશનની રચના કરી હતી. આ કમિશનને અનેક વખત એક્સટેન્શન મળી ચૂક્યું છે અને ૩૧ મેના રોજ તેનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. એક અંગ્રેજી અખબારે તેના રિપોર્ટમાં એવો દાવો કર્યો છે કે, કમિશનને રિપોર્ટ બનાવી લીધો છે અને ઓબીસી રિઝર્વેશનમાં ફેરફારની માગણી કરવામાં આવશે.

કમિશન ઓફ એક્ઝામિન સબ-કેટેગરાઈઝેશન ઓફ ઓબીસીના એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, પછાત વર્ગને મળતા અનામતમાં ઘોર અસમાનતા છે. ઓબીસી વર્ગની ફક્ત ૨૫ ટકા જાતિઓ જ ૯૭ ટકા અનામતનો લાભ ઉઠાવી રહી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, ઓબીસીની ૯૮૩ જાતિઓને અનામતનો કોઈ લાભ જ નથી મળ્યો અને ૯૯૪ જાતિઓ અનામતનો ફક્ત ૨.૬૮ ટકા લાભ લઈ રહી છે.

એટલે કે અંદાજે ૧૯૦૦ જાતિઓ એવી છે જેમને ૩ ટકા પણ ફાયદો થયો નથી. કમિશનનાં રિપોર્ટ અનુસાર, ઓબીસી અનામત હેઠળ જે જાતિઓને લાભ મળે છે તેમાં યાદવ, કુર્મી, જાટ (રાજસ્થાનના જાટ સમુદાયમાંથી ફક્ત ભરતપુર અને ધૌલપુર જિલ્લાનાં જાટ સમુદાયને જ કેન્દ્રીય ઓબીસી લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે), સૈની, થેવાર, એઝાવા અને વોક્કાલિગા જેવી જાતિઓનો સમાવેશ થાય છે.

વર્તમાન રિપોર્ટ તૈયાર કરવા માટે કમિશને ઓબીસી ક્વોટા હેઠળ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આપવામાં આવેલી ૧.૩ લાખ કેન્દ્રિય નોકરીનો અભ્યાસ કર્યો હતો. રિપોર્ટમાં એક વાત સામે આવી તે, જે રાજ્યોમાં ઓબીસી જનસંખ્યાના પ્રમાણમાં વધુ ક્વોટા આપવામાં આવ્યો છે તે રાજ્યોમાં અનામતનો લાભ જરૂરી લોકો સુધી નથી પહોંચી રહ્યો.

You might also like