રાજ્યની યુનિવર્સિટી અને કોલેજોનું નેકના નવા નિયમ મુજબ થશે ગ્રેડિંગ

અમદાવાદ: નેક (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ) દ્વારા રાજ્યની ૬૦થી વધુ યુનિવર્સિટી અને ૬૦૦થી વધુ કોલેજોને ગ્રેડ આપવાની જૂની પદ્ધિત આ માસમાં ૩૧મીએ પૂરી થઈ જશે. હવે પછી નેકના નવા માપદંડ મુજબ ગ્રેડિંગ સિસ્ટમ લાગુ થવાના કારણે મોટા ભાગની કોલેજો અને યુનિવર્સિટીના ગ્રેડમાં ફેરફાર થશે. મોટા ભાગની કોલેજો નવા માપદંડ મુજબ બી કે સી ગ્રેડમાં આવી જવાની શક્યતા છે.

નેકની ટીમ નવેમ્બરમાં જે કોલેજો કે યુનિવર્સિટીમાં થઇને જશે તે નવી ગાઈડ લાઈન મુજબ ઈન્સ્પેકશન હશે. ૩૧ માર્ચ સુધીમાં કોલેજ કે યુનિવર્સિટીના અસેસમેન્ટ કે એક્રડિટેશન માટે જેમણે અરજી કરી હશે તેમની ઈન્સ્પેકશનની પ્રક્રિયા ૩૧ ઓક્ટોબરે પૂરી થશે. નેકના નવા માપદંડ ખૂબ જ કડક કરવામાં આવ્યા છે. જેના કારણે જે તે કોલેજ કે યુનિવર્સિટીને ટોપ ગ્રેડ મેળવવો મુશ્કેલ થશે.

નેકની જૂની પદ્ધતિ મુજબ નેકના ગ્રેડ માટે ૮૦ ટકા માર્ક્સ ઇન્સ્પેક્શન માટે આવતી નેકની ટીમ આપતી હતી ત્યારે જે તે સમયે નેકની ટીમને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરાતો હતો. હવે નવી પદ્ધતિ મુજબ ૮૦ ટકા માર્ક્સ નેકની હેડ ઓફિસે નક્કી થશે. ટીમ ઈન્સ્પેકશનમાં આવ્યા બાદ જે તે યુનિવર્સિટી કે કોલેજનો રિપોર્ટ હેડ ઓફિસ સબમિટ કરશે. ત્યાર બાદ હેડ ઓફિસથી તેના માર્ક્સ આપવામાં આવશે. પહેલાં નેકની ટીમ ઈન્સ્પેક્શનમાં આવે ત્યારે કોલેજોમાં કામચલાઉ ફેકલ્ટી રાખીને રિસર્ચની જાણકારી અપાતી હતી. કમિટી ફીડબેકના નામે એક કે બે વિદ્યાર્થી સાથે વાત કરી ઔપચારિકતા પૂરી કરતી હતી. ક્યારેક કાગળ પર રિપોર્ટ રહેતા કે આંકડાઓ મૂકવામાં આવતા હતા.

નવા માપદંડ મુજબ હવે વિદ્યાર્થીઓના ફીડબેક મોટી સંખ્યામાં મેળવાશે. તેમને સંસ્થાની ખામીઓ પૂછવામાં આવશે. કેટલા વિદ્યાર્થીઓને નોકરી મળી કે પછી કેટલી ફેકલ્ટી હાયર કરી તેના પગાર સહિતની તમામ વિગતો ઓનલાઈન મૂકવી પડશે. અત્યાર સુધી નેકની ટીમ ઈન્સ્પેકશનમાં આવે ત્યારે તેમની સુખ સુવિધાઓની વ્યવસ્થા જે તે કોલેજ કરતી હતી. હવે પછી ટીમના ઈન્સ્પેકશનની તારીખ, રહેવાની સગવડ સહિતની બાબતો નિર્ધારિત એજન્સી દ્વારા કરાશે. યુનિવર્સિટી અને કોલેજો માટે રિસર્ચના નવા માપદંડ કડક બનાવાયા છે અને હવે ઓનલાઈન સબમીટ કરવાના રહેશે.

You might also like