અન્ડર-૧૯ વર્લ્ડકપ ચોથી વખત જીતવાનું ભારતનું સ્વપ્ન રોળાયું

મિરપુર : મિરપુરમાં શેરેબાંગ્લા નેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈસીસી અન્ડર-૧૯ વર્લ્ડકપની ફાઇનલ મેચમાં વિન્ડિઝ પર ભારત પર ત્રણ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે જીત મેળવીને ભારતની કપ જીતવાની આશા પર પાણી ફેરવી દીધું હતું. ૧૪૫ રનના લક્ષ્યાંકનો પીછો કરતા વિન્ડિઝે એક વખતે ૭૭ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી અને મેચ રોમાંચક બની હતી પરંતુ કાર્ટીએ અણનમ ૫૨ અને પોલે અણનમ ૪૦ રન બનાવીને પોતાની ટીમને જીત અપાવી હતી.

અલઝારી જોસેફ અને રેયાન જોનના તરખાટ બાદ કેસી કાર્ટની અડધી સદીની મદદથી વેસ્ટ ઈન્ડીઝે ભારત સામેની અંડર-૧૯ વર્લ્ડકપની ફાઈનલમાં ૫ વિકેટ વિજય મેળવ્યો હતો. આ જીત સાથે વેસ્ટ ઈન્ડીઝ પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા સફળ રહ્યું છે. જ્યારે ચોથી વખત ચેમ્પિયન બનવાની ભારતની આશાનો અંત આવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારત ૪૫.૧ ઓવરમાં ૧૪૫ રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું.

જવાબમાં વેસ્ટ ઈન્ડીઝે ૪૯.૩ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી પડકાર મેળવી દીધો હતો. વેસ્ટ ઈન્ડીઝની શરૂઆત ખરાબ રહેતા ૭૭ રનમાં ૫ વિકેટ ગુમાવી હતી. ગિડ્રોન પોપ ૩, ઈમલાય ૧૫, હેટમાર ૨૩, સ્પ્રિંગર ૩ અને ગુલી ૩ રને આઉટ થયા હતા. બોલરોના તરખાટ સામે ભારતના બેટસમેનોએ ઘૂંટણિયા ટેકવી ભારત ૪૫.૧ ઓવરમાં ૧૪૫ રનમાં ઓલ આઉટ થઈ ગયું છે. ભારત તરફથી એકમાત્ર સરફરાઝ ખાને શાનદાર બેટિંગ કરતા ૫ ફોર અને ૧ સિક્સર સાથે ૫૧ રન બનાવ્યા હતા.

ફાઈનલમાં ભારતની શરૂઆત કંગાળ રહેતા ૫૦ રનમાં ૫ વિકેટ ગુમાવી દીધી હતી. ઋષભ પંત ૧, ઈશાન કિશાન ૪, અનમોલપ્રીત સિંહ ૩, વોશિગ્ટન સુંદર ૭ અને અરમાન જાફર ૫ રન બનાવી આઉટ થયા હતા. ભારતીય ટીમ ૪૫.૧ ઓવરમાં ૧૪૫ રન કરી આઉટ થઇ ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ૯મી ફેબ્રુઆરીના દિવસે ભારતીય ટીમે અન્ડર-૧૯ ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં કૂચ કરીને ચોથી વખત વર્લ્ડકપ જીતી લેવા માટેની આશા જગાવી હતી.

સેમિફાઇનલમાં જીત બાદ ભારતીય ટીમ હોટફેવરિટ તરીકે દેખાઈ રહી હતી. ૯મીએ આઈસીસી અન્ડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઇનલમાં મિરપુરના શેરેબાંગ્લા નેશનલ સ્ટેડિયમ ખાતે ભારતે શ્રીલંકા ઉપર ૯૭ રને જીત મેળવીને ફાઇનલમાં કુચ કરી હતી.ભારતીય ટીમ પાંચમી વખત ફાઇનલમાં પહોંચી હતી. સેમિફાઇનલ મેચમાં શ્રીલંકા સામે ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં નવ વિકેટે ૨૬૭ રન કર્યા હતા.

ટોસ હારી ગયા બાદ મેદાનમાં ઉતરેલી ભારતની ટીમની શરૂઆત નિરાશાજનક રહી હતી અને રિષભ પંત ૧૪ અને કેપ્ટન ઇશાંત કિશન સાત રન કરીને આઉટ થયા હતા. શ્રીલંકાની ટીમ માત્ર ૧૭૦ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી ડાગરે ત્રણ વિકેટ ઝડપી હતી. અનમોલની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરાઈ હતી. આજે ફાઇનલ મેચમાં ડાગરે જોરદાર દેખાવ કર્યો હતો પરંતુ વિન્ડિઝે આખરે જીત મેળવી લીધી હતી.

સરફરાજ ખાને અંડર-૧૯ વર્લ્ડકપમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

અંડર-૧૯ વર્લ્ડ કપમાં ભારતના બેટ્સમેન સરફરાજ ખાનની બેટીંગ જોરદાર રહી હતી. ફાઇનલ મેચમાં વેસ્ટ ઇન્ડિઝના બોલિંગ આક્રમણ સામે જ્યારે સમગ્ર ટીમ ઝઝૂમતી જણાઇ ત્યારે સરફરાજે ૫૧ રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગની મહત્વની વાત એ છે કે સરફરાજે અંડર-૧૯  વર્લ્ડકપમાં સૌથી વધુ પચાસ કે તેનાથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. તેણે ૧૨ મેચની ૧૨ ઇનિંગમાં સાત વખત અર્ધશતક ફટકાર્યું છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ ૯૨-૯૩નો રહ્યો છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની ફાઇનલમાં અર્ધશતકીય ઇનિંગની સાથે જ સરફરાજે વેસ્ટ ઇન્ડિઝના ક્રેગ બ્રેથવેટનો રેકોર્ડ તોડ્યો હતો. જેણે ૨૦૧૮ના અંડર-૧૯ વર્લ્ડકપમાં ૬ અર્ધશતક ફટકાર્યા હતા.

ખરાબ ફિલ્ડિંગના કારણે વિશ્વકપ હાર્યા : કિશન

ભારતીય કપ્તાન ઇશાન કિશને આઇસીસી અંડર-૧૯ વિશ્વકપ ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝના હાથે મળેલી હાર માટે ટીમની ફિલ્ડિંગને જવાબદાર ઠેરવતા કહ્યું કે મહત્વના સમયે કેચ છોડવો અને રન આઉટ કરવાની તક ગુમાવવાના કારણે જીતની શક્યતા પૂરી થઇ ગઇ હતી.

તેણે કહ્યું, બાંગ્લાદેશનો અનુભવ ખેલાડીઓ માટે પોતાની ઇન્ટરનેશનલ કરિયર બનાવવામાં મદદગાર સાબિત થશે. કિશને કહ્યું મોટાભાગના બેટ્સમેન અને બોલરોએ સારું પ્રદર્શન કર્યું અને તેનાથી તેને મદદ મળશે. પરંતુ મારું માનવું છે કે અમારે મેચમાં સારું કરવું જોઇતું હતું અને તે પણ ફિલ્ડિંગમાં.

વેસ્ટ ઇન્ડિઝના કપ્તાન શિમરોન હેટમાયરે કહ્યું કે કોઇએ પણ વિચાર્યું ન હતું કે તેમની ટીમ ચેમ્પિયન બનશે પરંતુ અંતમાં સુખદ પરિણામ મળ્યું. આ જીતથી મને બહુ સારુ લાગે છે જેના માટે મારી પાસે શબ્દ નથી. અમે વિચાર્યું ન હતું કે અમે ચેમ્પિયન બનીશું પરંતુ છેવટે અમે ખિતાબ જીતવામાં સફળ થયા. અમારા ફાસ્ટ બોલરોને પિચની મદદ મળતા ખૂબ ફાયદો થયો. કાર્ટીએ નોટઆઉટ ૫૨ રન બનાવતા તેને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો.

You might also like