અંડર-19 વર્લ્ડ કપ જીત્યા બાદ દ્રવિડને મળ્યું 50 લાખનું ઈનામ, તો પણ નાખુશ..

અંડર-19 અને ઈન્ડિયા એ ટીમના કોચ રાહુલ દ્રવિડે પોતાને મળેલા ઈનામ વિશે કંઈક એવું કહ્યું છે, જેનાથી તમે તેની વાત પર ફિદા થઈ જશો. ભારતની અંડર-19 ટીમ દ્વારા વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (BCCI) ક્રિકેટરો, કોચ અને સપોર્ટિંગ સ્ટાફને ઈનામ આપવાની ઘોષણા કરી છે. જો કે આ પુરસ્કારની રકમને લઈને દ્રવિડ નારાજ છે. જો કે તેની નારાજગીનું કારણ જાણી તમને તેના માટે સન્માન થશે.

BCCIએ વર્લ્ડ કપ જીત્યા બાદ સપોર્ટિંગ સ્ટાફને 20 લાખ, ક્રિકેટરોને 30-30 લાખ અને કોચ દ્રવિડને 50 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. જો કે દ્રવિડે તેના પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે, ‘મને, મારી ક્રિકેટ ટીમ અને મારા સપોર્ટિંગ સ્ટાફને ઈનામમાં આપવામાં આવેલી રકમ જુદી જુદી કેમ રાખવામાં આવી છે? હું BCCIને વિનંતી કરું છું કે ટીમના સપોર્ટિંગ સ્ટાફને પણ બરાબર ઈનામ મળવું જોઈએ.’

ઉલ્લેખનીય છે કે અંડર-19માં ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવી વર્લ્ડ કપ જીતી લીધો હતો. ભારતીય ટીમે આ ચોથી વખત વર્લ્ડ કપ પ્રાપ્ત કર્યો છે. જો કે ટીમ ઈન્ડિયાના પરફોર્મન્સથી પણ દ્રવિડ ખુશ જોવા મળ્યો નથી.

અંડર-19 ભારતીય ક્રિકેટ ટીમના કોચ દ્રવિડે કહ્યું કે, ‘ફાઈનલ મેચ એકતરફી રહી હતી. ફાઈનલ મેચમાં ટીમે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું નથી. જો કે મારી ટીમ જીતની હકદાર જ હતી. મને 15 યુવાન ક્રિકેટરો પર ગર્વ છે, જેમણે વર્લ્ડ કપ જીતી બતાવ્યો છે.’

જો કે દ્રવિડે યુવાન ક્રિકેટરોના વખાણ કરતાં કહ્યું હતું કે, ‘વર્લ્ડ કપમાં ક્રિકેટરોએ જે રીતે પ્રદર્શન કર્યું, તેના માટે તેમણે ઘણા બલિદાન પણ આપ્યા છે. તેઓ એકજૂટ થઈને રમી રહ્યા હતા. કેટલીક મેચોમાં ટીમ પર દબાણ હોવા છતાં ટીમે એક થઈ જવાબદારી સંભાળી તે કાબિલે તારીફ છે.’

દ્રવિડે યુવાન ક્રિકેટરોના ઈન્ડિયન ટીમમાં સામેલ થવા મુદ્દે જણાવ્યું હતું કે, ‘ઈન્ડિયન ટીમમાં જગ્યા મળવી સરળ નથી. જો આ યુવાન ક્રિકેટરો દરેક સિરીઝમાં સારું પ્રદર્શન કરશે તો તેમને ઈન્ડિયન ટીમમાં સામેલ થવાના ચાન્સ વધી જાય છે. ટીમે પાકિસ્તાન સામેની મેચને એકદમ સામાન્ય ગણી રમી લીધી છે. અંડર-19 માં ટીમને પાકિસ્તાનને સામે રમવાનો મોકો મળ્યો તેનો મને આનંદ છે.’

You might also like