અંડર-૧૭ ફૂટબોલ વિશ્વકપઃ ભારતની મેચ દિલ્હીમાં યોજવા ફિફા તૈયાર

નવી દિલ્હીઃ ફિફા યજમાન ભારત સરકારના અનુરોધના પગલે ભારતની અંડર-૧૭ ફૂટબોલ વિશ્વકપની મેચો મુંબઈથી હટાવીને રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં યોજવા તૈયાર થઈ ગયું છે.

અખિલ ભારતીય ફૂટબોલ સંઘ (AIFF) અગાઉ ઇચ્છતું હતું કે ભારતની ઘરેલુ મેચની યજમાની મુંબઈ કરે, પરંતુ બાદમાં તેણે રમત મંત્રાલયના દબાણના કારણે ફિફાને આ મેચો દિલ્હીમાં આયોજિત કરવા જણાવ્યું હતું. એવું પૂછવામાં આવતાં કે, ”શું ફિફાએ ભારતની રાઉન્ડ રોબિન મેચ મુંબઈના બદલે દિલ્હીમાં કરાવવાને અંતિમ રૂપ આપી દીધું છે?” ત્યારે ફિફાના ટૂર્નામેન્ટ પ્રેસિડેન્ટ જેમી યાર્જાએ કહ્યું, ”અમે ટૂર્નામેન્ટ માટે સૌથી ફાયદાકારક નિર્ણય પર કામ કરી રહ્યા છીએ.

અમે ભારત સરકારના આગ્રહને બહુ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ, કારણ કે ફિફા અંડર-૧૭ વિશ્વકપના આયોજનમાં ભારત સરકાર અમારી મુખ્ય ભાગીદાર છે.” યજમાન તરીકે ભારતને ગ્રૂપ-એમાં રાખવામાં આવ્યું છે અને આ ગ્રૂપની ચાર ટીમોમાં નંબર એક (એ-૧) ટીમ હશે. પહેલાં ગ્રૂપ-એની મેચની યજમાની નવી મુંબઈએ કરવાની હતી, પરંતુ AIFFના આગ્રહનો અર્થ છે કે દિલ્હી હવે આ મેચોની યજમાની કરી શકે છે, જ્યારે નવી મુંબઈને ગ્રૂપ-બી મેચોથી જ સંતોષ માનવો પડશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં યોજાનારી ફિફાની આ પહેલી જ ટૂર્નામેન્ટ છે.
http://sambhaavnews.com

You might also like