બિનવારસી લાશોના વારસદાર!

રસ્તા પરથી મળી આવતી ગુમનામ વ્યક્તિઓ કે કોઈ પણ ભિક્ષુક કે અસ્થિર મગજના વ્યક્તિની લાશોને કેટલીક વાર કોઈ વારસદાર પણ નસીબ હોતો નથી. આવા સંજોગોમાં અમદાવાદના એક વૃદ્ધ છેલ્લાં પ૦ વર્ષથી બિનવારસી લાશોના વારસદાર બની રહ્યા છે.

અમદાવાદની સાબરમતી નદીમાંથી શહેરના કોઈ તળાવમાં કે રેલવે સ્ટેશન પરથી કોઈની આત્મહત્યા વખતે કે રસ્તા પર કોઈ ભિક્ષુક, અસ્થિર મગજના કે ગુમનામ વ્યક્તિની લાશ મળી આવી ત્યારે જે તે વિસ્તારના પોલીસમથકે તેનું કાયદેસર પંચનામું કરીને વિધિવત્ તેનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. આ પરોપકારી કાર્ય અમદાવાદમાં રહેતા મીઠાલાલ સિંધી છેલ્લાં ઘણાં વર્ષોથી કરી રહ્યા છે.

પાકિસ્તાનના કરાચીમાં જન્મેલા અને ભારત-પાકિસ્તાનના ભાગલા પછી અમદાવાદમાં સ્થાયી થયેલા મીઠાલાલ સિંગ-ચણા વેચીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. મહાનગરપાલિકાએ કરવાનું આ કામ તેઓ કોઈ પણ સ્વાર્થ વગર ઉત્સાહથી કરે છે.

આ અંગે તેઓ કહે છે, “કોઈ પણ બિનવારસી લાશને જે તે વિસ્તારમાં અગ્નિસંસ્કાર કરવા માટે ર૦૦૦ રૂપિયા જેટલો ખર્ચ પણ થાય છે, પરંતુ ક્યારેય કોઈ પણ વ્યક્તિ પાસેથી આ માટે એક પણ રૂપિયો કે દાન લીધું નથી.” તેમના આ કાર્યમાં હવે તેમનાં સંતાનો પણ મદદરૂપ થાય છે.” વર્ષમાં આશરે સાત-આઠ જેટલી બિનવારસી લાશોના અંતિમસંસ્કાર કરીને તેઓ ખરેખર બિનવારસી લાશોના વારસદાર બની રહ્યા છે.

You might also like