ઊનાક્રાંતિ અને રાજરમત

ઊના બાદ દલિતોના હિતની વાત કરનારા ભાગ્યે જ જોવા મળે છે પણ રાજકારણીઓના હાથા બનેલા લોકો મતબેંકના આધારે સમાજ વચ્ચે તિરાડ પાડવાનું કામ કરી રહ્યા છે. સામાજિક આંદોલનથી એક વર્ષમાં ગુજરાતને ત્રણ નવા ચહેરા મળ્યા. જો તેઓ સમાજના ભલા માટે કામ કરતાં હોય તો ઉત્તમ છે પણ દરેક ચહેરા પાછળ રમાતી રાજનીતિ બહુ ઘાતકી છે. અમદાવાદની દલિત સભા બાદ અમદાવાદથી ઊના સુધીની પદયાત્રા ‘અસ્મિતાયાત્રા’ યોજાઈ હતી, જેમાં કેટલાંક દલિતોના યુવા નેતા તરીકે પ્રસિદ્ધિ મેળવી હતી.

આ યાત્રામાં જોડાનારા લોકોનો એક જ સૂર હતો કે અમને ન્યાય આપવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે, રેલ રોકવામાં આવશે વગેરે વગેરે. ઉપરાંત દલિતોને એ વાતનું પણ આહ્વાન કર્યું છે કે હવેથી કોઈ મૃત પશુની કામગીરી હાથ પર નહીં લે. સૌરાષ્ટ્રમાં દલિત આંદોલન પર ઈતિહાસ લખનાર પ્રોફેસર પી.જી. જ્યોતિકર કહે છે કે, “ગુજરાતમાં છ ટકા દલિતોમાંથી ૨૩ ટકા ચર્મકાર છે. જેમાંથી માંડ ૧૦ ટકા મરેલાં પશુઓની ખાલ ઉતારવાનું કામ કરે છે.

મરેલાં પશુઓની ખાલ ઉતારવાનું કામ સંર્પૂણપણે બંધ થઈ જવું જોઈએ પણ જે લોકો આ નારો ફરીથી ઉઠાવી રહ્યા છે તેમની પાસે દલિતોની આજીવિકા માટે બીજો કોઈ વિકલ્પ છે? જો નથી તો આ દલિતોનું રાજનીતિક શોષણ છે.” એ વાત પણ નોંધનીય છે કે અસ્મિતા યાત્રાથી ચર્ચામાં આવેલા યુવા નેતાઓ ઊના ખાતે યાત્રાની સમાપ્તિ દરમિયાન ઊનાકાંડના પીડિત દલિત પરિવારને મળ્યા જ નહોતા.

You might also like