ઉના, ઉપલેટા, જૂનાગઢ, ધોરાજી અને અમરેલી સંપૂર્ણ બંધ રહ્યાં

અમદાવાદ: ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સમ‌ઢિયાળા ગામના ચાર દલિત યુવકોને માર મારવાના વિરોધમાં દલિત સમાજ અને ભારતીય સમાજવાદી પાર્ટી દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. ધોરાજી, ઉપલેટા, ઉના, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢમાં પણ લોકોએ વેપાર-ધંધા બંધ રાખી બંધને સમર્થન આપ્યું છે. રાજકોટ, પાટણ, ભાવનગર, જામનગર, અમદાવાદ સહિતનાં શહેરોમાં બંધની નહિવત્ અસર જોવા મળી રહી છે.

ગુજરાત બંધના એલાનના પગલે ઉના શહેર આજ સવારથી જ બંધ રહ્યું હતું. ધોરાજી, ગોંડલ, ઉપલેટા વગેરે શહેરોમાં પણ બંધની અસર જોવા મળી હતી. જૂનાગઢ તેમજ ભાવનગરમાં સ્કૂલ સંચાલકોએ સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. રાજકોટમાં તોફાની ટોળાએ બીઆરટીએસમાં તોડફોડ કરી હોઇ આજના દિવસે બીઆરટીએસને નુકસાન ન થાય તે માટે બીઆરટીએસ રૂટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ શહેરમાં બંધના પગલે ત્રણ એસઆરપીની ટુકડી ઉતારવામાં આવી છે.

ઉનાની ઘટનાના સૌરાષ્ટ્રમાં સૌથી વધુ પડઘા પડ્યા હોઇ સૌરાષ્ટ્રમાં બંધની વ્યાપક અસર જોવા મળી હતી. રાજકોટ એસટી ડેપોની તમામ બસોને રદ કરવામાં આવી છે. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બોટાદના સાળંગપુરમાં પણ એસટી બસ પર મોડી રાત્રે ટોળાએ પથ્થરમારો કર્યો હતો. જૂનાગઢના વંથલી ગામે હાઇવે પર હજારો લોકોના ટોળા રસ્તા પર ઊતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. વાહનોની લાંબી લાઇનો લાગી ગઇ હતી.

ગુજરાત બંધના એલાનના પગલે રાજ્યભરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસને સવારથી જ સ્ટેન્ડટુના આદેશ અપાયા છે. પોલીસ દ્વારા હાઇવે અને મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે તેમજ મોટા ભાગના એસટી બસના રૂટ બંધ કરવામાં આવ્યા છે.

વીરમગામમાં પણ લોકોએ સ્વયંભૂ બંધ રાખીને દલિત સમાજના બંધના એલાનને સમર્થન આપ્યું છે. પાટણમાં પણ દલિત સમાજના લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. પાટણ-ચાણસ્મા હાઇવે પર લોકોએ ટાયરો સળગાવ્યા હતા. બનાસકાંઠાના ધાનેરામાં પણ લોકોએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો.

You might also like