ઊનાના ગણેશ શેઠ

ગુપ્ત પ્રયાગથી નીલકંઠ ઊના પધાર્યા. ઊનાના પાદરમાં પૂર્વ ભાગે ઋષિતોયા મચ્છુન્દ્રી નદી વહી રહી હતી. મચ્છુન્દ્રીનાં નિર્મળ નીરમાં નીલકંઠે સ્નાન કર્યું. થોડી વાર ધ્યાન ધર્યું અને પછી ઊના શહેરની આથમણી બાજુ પધાર્યાં.

નગરની આથમણી બાજુ ચક્રાકાર તળાવ હતું. તળાવની બાંધણી અત્યંત આકર્ષક અને મનોહર હતી. તળાવમાં નિર્મળ નીર ભર્યું હતું. વધારાના પાણીનાં નિકાલ માટે મોટા ગોળાકાર ગરનાળાં હતાં. ગરનાળાના ગોળાકાર મુખ ઉપર પથ્થરોની સુંદર કોતરણી હતી. નીલકંઠે ગરનાળામાં ઉતારો કર્યો.

નીલકંઠ તળાવની પાળે બેઠા હતા. સંધ્યાનો સમય થવા આવ્યો હતો. અસ્તાચળ પર ઊતરી રહેલા સૂર્યનારાયણનાં સપ્તરંગી કિરણો આભ અને ધરતીમાં કસુંબલ ભાત ભરી રહ્યાં હતાં. આથમતાં સૂરજના કિરણો સરોવરના તરંગો સાથે ગેલ કરતાં હતાં.

નીલકંઠવર્ણીની તેજસ્વી કાયા અને પીંગલવર્ણી જટા સૂર્યકિરણોનાં સ્નાનથી વિશેષ દીપી ઊઠી હતી! નીલકંઠ સાયં સંધ્યા વંદનની તૈયારી કરવા લાગ્યા. એ જ સમયે ઊનાના ગણેશ શેઠ અને હંસરાજ ગાંધી તળાવની પાળે ફરવા નીકળ્યા હતા. ગણેશ શેઠ ઊનાના નગર શેઠ હતા. એમને ત્યાં ધીકતા વેપાર ધંધા હતા. ઘરે દોમ દોમ સાહ્યબી હતા.

ઊના જૂનાગઢના નવાબી રાજ્યનો મહાલ અર્થાત્ તાલુકા મથક હતું. જૂનાગઢ રાજ્ય વતી ઊનાનો બધો જ કારભાર ગણેશ શેઠ સંભાળતા હતા. ઊના મહાલની તમામ મહેસૂલી આવક ગણેશ શેઠની પેઢીએ એકઠી થતી અને ત્યાંથી જૂનાગઢ નવાબના રાજ ખજાને પહોંચતી. નવાબે નીમેલી આરબ સૈનિકોની બેરખ ગણેશ શેઠની તહેનાતમાં રહેતી.

ગણેશ શેઠ જેટલા શ્રીમંત હતા. એટલા જ ઉદાર અને દયાળુ હતા. હજારો ગરીબોના હમદર્દી હતા. ગણેશ શેઠ ધર્મે જૈન હતા. હંસરાજ ગાંધી ઉદ્ધવાવતાર રામાનંદ સ્વામીના શિષ્ય હોવાથી પરમ વૈષ્ણવ હતા. જૈન અને વૈષ્ણવની આ જોડી ગજબની હતી. ગણેશ શેઠ ભારે શ્રીમંત હતા જયારે હંસરાજ ગાંધી નાનકડી હાટડીથી ગુજરાન ચલાવતા હતા. પરંતુ બંને વચ્ચે કૃષ્ણ અને સુદામા જેવી ગાઢ પ્રીતિ હતી.

તળાવની પાળે ફરતા બંને શેઠિયાઓની દૃષ્ટિ નીલકંઠ બ્રહ્મચારી તરફ ગઈ. તેજસ્વી બ્રહ્મચારીને જોઈને એમના અંતરમાં ખેંચાણ અનુભવાયું અને એમનાં પગલાં હઠાત્ નીલકંઠ તરફ વળી ગયા.

બંનેએ નીલકંઠને પ્રણામ કર્યા. નીલકંઠે પણ મંદ મંદ હસીને બંનેને આશીર્વાદ આપ્યા. શેઠિયાઓનું નીલકંઠ સાથેનું આ મિલન ભવિષ્યમાં ઐતિહાસિક સિદ્ધ થવાનું હતું.

અતિથિ અને અભ્યાગતો, ભગવંતો અને સાધુ સંતોની સેવા જેમના સ્વભાવમાં સહજ રીતે વણાયેલી હતી, એવા ગણેશ શેઠે હાથ જોડીને નીલકંઠને કહ્યું, ‘બ્રહ્મચારીજી! અમારે આંગણે વોરવા આવશો?’ જૈન ધર્મમાં ભિક્ષા માટે વોરવું શબ્દ પ્રસિદ્ધ છે.

નીલકંઠે કહ્યું, “હમ બસ્તી સે દૂર રહના પસંદ કરતે હૈ, ઈસ લિયે ભિક્ષા કે લિયે નગર મેં તો નહીં આયેંગે, ફિર ભી યદિ કુછ ભોજન તૈયાર હો તો ઈધર હી લે આઓ.”

નીલકંઠનો ઘંટડી જેવો મધુર અવાજ શેઠિયાનાં અંતરને આંદોલિત કરી ગયો. ગણેશ શેઠે તાબડતોબ ઘરેથી ખીચડી મગાવી. એ દરમિયાન નીલકંઠે સંધ્યા વંદન કર્યાં. થોડીવારમાં ખીચડી હાજર થઈ. નીલકંઠે તળાવની પાળના પથ્થરની શિલાને પાણીથી ધોઈ શુદ્ધ કરી એના ઉપર ખીચડી પધરાવી, પોતે થોડા કોળિયા જમ્યા.

શેઠિયાઓ નીલકંઠની સર્વ ક્રિયાઓ અહોભાવથી જોઈ રહ્યા હતા. એમને નીલકંઠની સર્વ રીતે અલૌકિક લાગતી હતી. નીલકંઠનાં દર્શનથી શેઠિયાઓ અંતરમાં ભારે શાંતિનો અનુભવ કરતા હતા. નીલકંઠ સાથે થોડો સમય સત્સંગ કરી શેઠિયાઓએ વિદાય લીધી. નીલકંઠ તળાવની પાળે રાત્રિ વિતાવી, વહેલી સવારે આગળની વાટ લીધી. •
લે. શાસ્ત્રી માધવપ્રિયદાસ સ્વામી, એસ.જી.બી.પી., ગુરુકુળ, છારોડી

You might also like