દલિતકાંડઃ રાજકારણ ભળ્યું, ન્યાય ક્યારે?

ઊનાથી વીસ કિમી. દૂર આવેલા મોટા સમઢિયાળા ગામના દલિતો પર બેજવાબદાર લોકોએ અત્યાચાર કર્યો. ખુલ્લેઆમ સામાન્ય નાગરિક પર હિંસાત્મક પ્રયોગ કરવો એ અપરાધ છે. કોઈ પશુનું મૃત્યુ થાય તો તેને લાવીને તેનું ચામડું ઉતારવાનો તેમનો અધિકાર અને પરંપરાગત વ્યવસાય છે. તેઓ ગામની એક ધાર પર મૃત ગાયનું ચામડું ઉતારી રહ્યા હતા, ત્યારે કહેવાતા ગૌરક્ષકોએ આવીને તેમને ધમકાવ્યા. જ્યારે દલિતોએ તેમને કહ્યું કે, “ગાયને અમે મારી નથી. એ પહેલેથી જ મૃત હતી અને અમે અમારું કામ કરી રહ્યા છીએ.” પરંતુ ગૌરક્ષાના નામે આ લુખ્ખાઓની આખી ટોળકીએ ટપલીદાવથી શરૂ કરીને દલિતોને ઢોરમાર માર્યો.

શું ગૌરક્ષકોના નામે ફરતાં તત્ત્વોને કાયદો હાથમાં લેવાનો અધિકાર છે? તેઓ કયા સરકારી અધિકારથી જાહેરમાં કોઈની પર હાથ ઉઠાવી શકે? હદ તો ત્યારે થઈ કે, આ દલિતોને મોટા સમઢિયાળાથી ઢોરમાર મારીને ઊના લવાયા અને અર્ધનગ્ન હાલતમાં શહેરની વચ્ચે મારતાં મારતાં ફેરવ્યા. આ બધું થયું ત્યારે અંધ અને બહેરી બનેલી પોલીસ નિષ્ક્રિય રહી.

આ ઘટનાનો સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલો વીડિયો જેણે જોયો તેના મોઢામાંથી રીતસરની ‘આહ!’ નીકળી ગઈ હતી. ગૌરક્ષાના નામે દલિતો પર જે રીતે ક્રૂરતા વર્તાવી એ જોતાં લાગતું હતું કે તેમાંથી એક પણને પોતાને ગૌભક્ત કહેવડાવવાનો હક નથી. આટ આટલું થવા છતાં સ્થાનિક પોલીસ અને રાજકીય નેતાઓએ નોંધ સુધ્ધાં લેવાની તસદી ન લીધી. જોકે, રાજ્યસભામાં ચોમાસુ સત્રના પ્રારંભ સાથે માયાવતીએ આ મુદ્દે રજૂઆત કરી અને રાજ્યસભામાં હોબાળો મચી ગયો હતો.

આયોગને લીધે અધિકારીઓ એક્શનમાં!
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્ય રાજુભાઈ પરમારે ૧૭ જુલાઈએ મોટા સમઢિયાળાની મુલાકાત લઈ પીડિત પરિવારને મળીને આખી ઘટના અંગે જાણકારી મેળવી. તેમને સ્થાનિક અધિકારીઓ સાથે પણ આ મામલે બેઠક કરી અને ઘટનાને દુઃખદ ગણાવી પીડિત પરિવારોને યોગ્ય સારવાર મળે અને આ ઘટનાની સંપૂર્ણ તપાસની સાથે જવાબદાર પોલીસ સામે કડક પગલાં લેવાય તેવી અધિકારીઓને તાકીદ કરી આયોગની ટીમની મુલાકાત બાદ સ્થાનિક અધિકારીઓ હરકતમાં આવ્યા અને પોલીસ સામે પગલાં લેવાની ફરજ પડતાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા ચૌધરીએ ઊનાના પોલીસ ઈન્સ્પેક્ટર એન.યુ.ઝાલા સહિત ચાર કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા.

માયાવતીએ રાજ્યસભામાં મુદ્દો ઉઠાવ્યો
૧૮મીએ સોમવારે, રાજ્યસભામાં ચોમાસુ સત્રના આરંભે જ બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીએ આ મુદ્દો ઉઠાવતાં આક્ષેપ કર્યો હતો કે, કેન્દ્રમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી દલિતો પરના અત્યાચારની ઘટના વધી રહી છે. તેમણે ઊનાની ઘટનાનાં જવાબદારો સામે કડક પગલાં લેવાં માગણી કરીને ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. રાજ્યસભામાં આ મુદ્દો ઉઠતાં એકાએક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને ઘટનામાં કાર્યવાહી કરવાની સૂચના અપાઈ હતી.

સૌરાષ્ટ્રમાં ઘેરા પડઘા
આ ઘટનાના સૌરાષ્ટ્રમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગોંડલમાં પાંચ દલિત યુવાનોએ ઝેરી દવા પી લઈને ઊનાની ઘટનાના દોષિતો સામે પગલાં લેવાની માગ કરી હતી તો જામકંડોરણામાં પણ દલિતોએ સત્તાધીશોને આવેદનપત્ર આપ્યું. રાજકોટનાં નવા થોરાળામાં પણ દલિતોએ રેલી કાઢી હતી. ૧૯મીએ તો સમગ્ર સૌરાષ્ટ્રમાં દલિતોએ ઠેર ઠેર ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ઘટનાને લઈને દલિત સમાજની સાથે રાજકીય પાર્ટીઓ પણ મેદાનમાં આવી ગઈ હતી.

આ લખાય છે ત્યારે જાણવા મળ્યું કે, કોંગ્રેસના દલિત આગેવાનો રાજ્યપાલને આવેદનપત્ર પાઠવીને દોષિતો સામે કાર્યવાહીની માગ કરશે. તો ઠાકોરસેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે એક દિવસીય ધરણાંનું આયોજન કર્યું હતું. આ ગંભીર ઘટના અંગે ગુજરાત સરકારે સીબીઆઇ દ્વારા તપાસની જાહેરાત કરી છે. જોકે આ આગ એમ જલદી ઠંડી પડે તેમ લાગતું નથી.

દેવેન્દ્ર જાની

You might also like