કોંગો ગણરાજ્યમાં સંયુક્ત રાષ્ટ્રના ૧૪ શાંતિરક્ષકોની હત્યા

વોશિંગ્ટન: આફ્રિકન દેશ કોંગો ગણરાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ખૂની સંઘર્ષમાં હથિયારધારી હુમલાખોરોએ કરેલા હુમલામાં યુનાઈટેડ નેશનના લગભગ ૧૪ શાંતિરક્ષકોનાં મોત થયાં છે જ્યારે ૫૦થી વધુ લોકોને ઈજા થઈ છે. આ હુમલો કોંગોના નોર્થ કિવૂ પ્રાંતમાં થયો હતો. આ વિસ્તારને ખનીજ પદાર્થનો મોટો ભંડાર માનવામાં આવે છે.

આ ઘટનામાં જે લોકોનાં મોત થયાં છે તેમાં મોટા ભાગના લોકો તાન્ઝાનિયાના છે તેમજ કોંગો ગણરાજ્ય સશસ્ત્ર દળના પાંચ સૈનિક પણ સામેલ છે. ઓનલાઈન મીડિયા અહેવાલમાં જણાવાયા અનુસાર નોર્થ કિવૂ પ્રાંતમાં એલાઈડ ડેમોક્રેટિક ફોર્સેસ (એડીએફ)ના બળવાખોર હુમલાખોરોએ લૂટફાંટની પણ કોશિશ કરી હતી અને બાદમાં હુમલો કરતાં શાંતિરક્ષકોએ તેમના જીવ ગુમાવવા પડ્યા હતા.

કિવૂમાં રહેલા કીમતી ખનીજ ભંડારને હડપ કરવા માટે સતત આવા હુમલા થઈ રહ્યા છે ત્યારે એવું જાણવા મળે છે કે કોંગોના સુરક્ષા દળો અને શાંતિરક્ષકોના યોદ્ધા વચ્ચે અનેક વાર લડાઈ થઈ છે. શાંતિરક્ષકોના વડા ‌જીયન પીરે લૈકરોઈક્સે જણાવ્યું કે આ વિસ્તારમાં સતત આવા હુમલા થઈ રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે.

કોંગો ગણરાજ્યમાં મોનુસ્કુ શાંતિ મિશન હેઠળ લગભગ ૧૮૦૦૦ શાંતિ રક્ષક કામ કરી રહ્યા છે અને તે મુજબ તેઓ આ વિસ્તારમાં ચાલતી તંગદિલીને રોકવા પ્રયાસ કરી રહ્યા છે. કોંગો ગણરાજ્યમાં રાહત કામગીરી કરી રહેલી સંસ્થાઓએ થોડા દિવસ પહેલાં જણાવ્યું હતું કે સંઘર્ષના કારણે ૧૭ લાખ લોકોને તેમના ઘરબાર છોડીને પલાયન થઈ જવાની ફરજ પડી રહી છે ત્યારે ગણરાજ્યમાં રેફ્યૂજી કાઉન્સિલના ઉલરિકા બ્લોમ આવી સ્થિતિને ચિંતાજનક સંકટ ગણાવી રહ્યા છે.

You might also like