UN ત્રાસવાદની વ્યાખ્યા જાણતું નથીઃ મોદી

બ્રસેલ્સ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ત્રણ રાષ્ટ્રોનાં પ્રવાસનાં પ્રથમ ચરણમાં બેલ્જિયમનાે પ્રવાસ સંપન્ન થયો છે અને મોદી હવે ચોથા પરમાણુ શિખર સંમેલનમાં હાજરી આપવા બ્રસેલ્સથી વોશિંગ્ટન ડીસી જવા રવાના થઇ ગયા છે.
પીએમ મોદી અને બેલ્જિયમના પીએમ ચાર્લ્સ મિશેલની હાજરીમાં સંયુકત નિવેદન જારી કરવામાં આવ્યું હતું. ભારત અને બેલ્જિયમે કેટલાંક જૂથો અને દેશો દ્વારા આતંકવાદ પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવા માટે થતા ધર્મના દુરુપયોગને રોકવા માટે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી અને એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે તમામ દેશો પોતાની ધરતી પર અને પોતાના કાર્યક્ષેત્ર હેઠળના પ્રદેશમાં પેદા થતા આતંકવાદ સામે અસરકારક રીતે કામ લે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વિશ્વ આજે ત્રાસવાદના ખતરાનો સામનો કરી રહ્યું છે અને સંયુકત રાષ્ટ્ર સંઘે (યુએન) વિશ્વ સમક્ષના આ ખતરા પર ધ્યાન આપવું પડશે. અન્યથા યુએન અપ્રસ્તુત બની જશે. બ્રસેલ્સ ખાતે ભારતીય સમુદાયને સંબોધન કરતાં મોદીએ જણાવ્યું હતું કે સંયુકત રાષ્ટ્ર સંઘ હજુ ત્રાસવાદની વ્યાખ્યા કરવામાં નિષ્ફળ રહેલ છે તે વાત ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે.

ભારત અને બેલ્જિયમ બંનેએ સંયુકત નિવેદનમાં જણાવ્યું હતું કે આતંકી નેટવર્ક અને તેને નાણાકીય સહયોગ પૂરાં પાડતાં માધ્યમોને અવરોધવાની તેમજ સીમા પારના આતંકવાદને ખતમ કરવાની તાકીદની જરૂર છે. મોદી અને મિશેલ બંનેએ એ બાબતે સંમતિ વ્યકત કરી હતી કે આતંકવાદને કોઇ ધર્મ, રાષ્ટ્રીયતા, સભ્યતા કે વંશીય સમૂહ સાથે જોડી શકાય નહીં અને આવું થવા પણ દેવાય નહીં. બંને દેશના વડા પ્રધાનોએ વધુ સારા‌ દ્વિપક્ષીય સંબંધો અને કાયદાના શાસનને લઇને પરિપકવ લોકતંત્ર, સંઘવાદ અને બહુમતીવાદ તરીકે તેમની સમાનતાઓ પર ભાર મૂકયો હતો.

સંયુકત નિવેદનમાં જણાવાયું હતું કે બંને વડા પ્રધાનોએ પારસ્પરિક હિતના વિવિધ મુદ્દાઓ પર સામેલગીરી સાથે કામ કરવા પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. બેલ્જિયમના વડા પ્રધાન મિશેલે સંયુકત રાષ્ટ્રસંઘની સુરક્ષા સમિતિમાં ભારતના કાયમી સભ્યપદ માટેના દાવાને સમર્થન દોહરાવ્યું હતું.

You might also like