ચીન વિઘ્ન ન નાખે તો મસૂદ અઝહરને આજે ‘વૈશ્વિક આતંકવાદી’ જાહેર કરી પ્રતિબંધ લદાશે

(એજન્સી) નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલાના ગુનેગાર અને જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને આજે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં ‘વૈશ્વિક આતંકી’ જાહેર કરીને તેના ઉપર પ્રતિબંધ મુકાઈ શકે છે. પાકિસ્તાનનું ખાસ ‘દોસ્ત’ ગણાતું ચીન જો કોઈ વાંધો ન ઉઠાવે કે વિઘ્ન ન નાખે તો જ આ શક્ય બનશે. યુનાઈડેટ નેશન્સ (યુએન)ની સિક્યોરિટી કાઉન્સિલમાં ફ્રાન્સના પ્રસ્તાવ પર આજે અગત્યનો ફેંસલો થશે.

ઉલ્લેખનીય છે કે, આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર પર પ્રતિબંધના નિર્ણયમાં સૌથી વધુ વિઘ્ન ચીન નાખતું આવ્યું છે. આ અગાઉ ત્રણ વખત ચીન મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાના અને તેની ઉપર પ્રતિબંધ લાદવાના પ્રયાસો પર બ્રેક લગાવી ચૂક્યું છે.

મસૂદ અઝહર પર સકંજો કસવાની ભરપુર કોશિશ ભારત અને તેના મિત્ર રાષ્ટ્રો કરી રહ્યા છે. ૧૨૬૭ અલ કાયદા પ્રતિબંધ સમિતિમાં યુએનએસસીના કોઈ પણ સભ્ય દેશ દ્વારા જો વાંધો ઉઠાવવામાં નહીં આવે તો આજે બપોરે 3.00 વાગ્યા સુધીમાં જૈશના ચીફ પર પ્રતિબંધની જાહેરાત થઈ જશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.

પુલવામા આતંકી હુમલા બાદ જૈશ-એ-મોહમ્મદ વિરુદ્ધનો આ પ્રસ્તાવ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સંયુક્ત રીતે લાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પુલવામા હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશે સ્વીકારી હતી. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા.

પઠાનકોટ આતંકી હુમલા બાદ મસૂદ અઝહર વિરુદ્ધ આ પ્રસ્તાવ ચોથી વખત લાવવામાં આવ્યો છે. આ અગાઉ ત્રણ વખત ચીને આ પ્રસ્તાવ પર ‘ટેક્નિકલ રોક’ લગાવી દીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનનો તર્ક છે કે, મસૂદ અઝહરને જૈશ સાથે ગાઢ સંબંધ છે કે આ આતંકી સંગઠન તે પોતે જ ચલાવે છે તેના પૂરતા પુરાવાઓ કે જાણકારી હજુ સુધી સામે આવી નથી.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પૂર્વ સ્થાયી પ્રતિનિધિ અશોક મુખરજીએ આ પ્રક્રિયા સમજાવતા જણાવ્યું કે, જો ‘સાયલન્સ પિરિયડ’ એટલે કે જેમાં સુરક્ષા પરિષદનું કોઈ સભ્ય વાંધો ઉઠાવી શકે છે, તે આજે ૧૩ માર્ચના રોજ ખતમ થઈ જાય પછી મસૂદ અઝહરને ૧૨૬૭ પ્રતિબંધ યાદીમાં સામેલ કરી દેવામાં આવશે. પ્રતિબંધ સમિતિ દ્વારા તેને યાદીમાં મૂક્યા બાદ કાઉન્સિલ દ્વારા તેની ઉપર મંજૂરીની મહોર લગાવવામાં આવશે.

પ્રતિબંધ સમિતિના સભ્ય અને સુરક્ષા પરિષદમાં સમાન હોય તેવા ૧૫ દેશ છે. તમામ સભ્ય દેશોએ ફેક્સ કે વાંધા પક્ષ પરિષદને મોકલવાના છે. આ માટે કોઈ બેઠક યોજવામાં આવશે નહીં. જો કોઈ સભ્ય વાંધો નહીં ઉઠાવે તો આજે બપોરે ૩.૦૦ વાગ્યા બાદ અઝહર પર પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવશે.

અમેરિકા અને રશિયાએ ચીનને પોતાનું વલણ બદલવાનો આગ્રહ કર્યો છે. થોડા દિવસ પહેલાં જારી કરવામાં આવેલા એક નોટિફિકેશનમાં જણાવાયું હતું કે, અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ તરફથી આતંકવાદી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકીની યાદીમાં સામેલ કરવા અને અલકાયદાની પ્રતિબંધિત યાદીમાં પણ મૂકવા માટેનો પ્રસ્તાવ મળ્યો છે.

You might also like