‘અમ્પાયરોને પણ દંડ ફટકારવાનો નિયમ બનાવવો જોઈએ’

(એજન્સી) નવી દિલ્હી: IPLની એક મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ડગઆઉટમાંથી મેદાન પર ધસી જઈને અમ્પાયરો સાથે ઉગ્ર ચર્ચા કરી. આ કારણે તેના પર ૫૦ ટકા મેચ ફીનો દંડ ફટકારાયો. IPLની આ િસઝનમાં અમ્પાયરોના નિર્ણયો પર સવાલ ઊઠી રહ્યા છે. આ અંગે બીસીસીઆઇના કોષાધ્યક્ષ અનિરુદ્ધ ચૌધરીએ કહ્યું કે ખેલાડીઓની સાથે સાથે અમ્પાયરો માટે પણ નિયમ બનાવવા જોઈએ. તેઓ ભૂલ કરે તો તેમને પણ દંડ ફટકારવો જોઈએ.

અનિરુદ્ધ ચૌધરીએ કહ્યું, ”જ્યારે નિયમોના ઉલ્લંઘન બાદ ખેલાડીઓને સજા કરવામાં આવે છે ત્યારે ઘણી ચીજો મહત્ત્વની હોય છે, જેમાં જૂના રેકોર્ડની સાથે સાથે વર્તમાન પરિસ્થિતિને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. મેચ અધિકારીઓને વધુ સારું પ્રદર્શન કરવાની જરૂર છે, જેમાં ફિલ્ડ અમ્પાયર, થર્ડ અમ્પાયર અને મેચ રેફરી પણ સામેલ છે. તેઓએ પોતાના નિર્ણયોમાં વધુ સચોટ બનવું પડશે. આ ભારતીય ક્રિકેટ છે અને દરેકના પોતાના વિચાર છે. જ્યારે ધોની મેદાન પર ગયો હતો ત્યારે મને એવું લાગ્યું હતું કે તેને કદાચ દંડ થશે. એ નિયમોનું ઉલ્લંઘન છે. ધોનીને દંડ ફટકારાયો અને મામલો ખતમ થઈ ગયો.”

ચૌધરીએ વધુમાં કહ્યું, ”ધોનીએ નિયમ તોડ્યો અને તેને દંડ થયો. આ પહેલાં વિરાટ અને યુઝવેન્દ્ર ચહલને દંડ ફટકારવામાં નહોતો આવ્યો. બંને મામલામાં અમ્પાયરોના નિર્ણયોએ ખેલાડીઓને ઉશ્કેરવાનું કામ કર્યું. બંને પરિસ્થિતિ અલગ હતી. હવે સમય આવી ગયો છે કે એક એવી સિસ્ટમ તૈયાર કરવી જોઈએ, જેમાં અમ્પાયરો ભૂલ કરે તો તેમને પણ દંડ ફટકારવામાં આવે. આપણે આવી સિસ્ટમ તત્કાળ શરૂ કરવાની જરૂર છે. અમ્પાયરોને પાર‍ખવાના નિયમમાં સુધારો કરવો પડશે.”

અંતમાં અનિરુદ્ધ ચૌધરીએ કહ્યું, ”અમ્પાયરો પર સમગ્ર રમતની જવાબદારી હોય છે અને તેમણે ટોચના સ્તરનું પ્રદર્શન કરવાનું હોય છે. અમ્પાયરો અને મેચ અધિકારીઓનું પ્રદર્શન આ મુદ્દાનો મહત્ત્વનો હિસ્સો છે. જ્યારે આ ટૂર્નામેન્ટની અત્યાર સુધીની સમીક્ષા કરવામાં આવે તો તમે જોઈ શકશો કે અશ્વિને જે કર્યું તે ‘બ્રાઉનિંગ’ હતું.

હું તેને માંકડિંગ નહીં કહું, કારણ કે વિનુ માંકડે બિલ બ્રાઉનને આવું કરતાં પહેલાં ચેતવણી આપી હતી. બેંગલુરુ અને મુંબઈની મેચમાં અંતિમ બોલ પર ‘નો-બોલ’ નહોતો આપવામાં આવ્યો. સીએસકેની મેચમાં અમ્પાયર ઉલ્હાસ ગાંધેએ નો-બોલ જાહેર કર્યો હતો, પરંતુ સ્ક્વેર લેગ પરના અમ્પાયરે નો-બોલ નકારી કાઢ્યો તેથી ઉલ્હાસ ગાંધેએ પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો.”

અનિરુદ્ધ ચૌધરીને લાગે છે કે આ મુદ્દાને તત્કાળ અસરથી હાથ પર લેવો જોઈએ. તેમને આશા છે કે અમ્પાયરોની નિમણૂકનો મુદ્દો લોકપાલ પાસે જશે.

You might also like