અમ્પાયરે ICC પાસે હેલ્મેટ પહેરવાની મંજૂરી માગી

સિડનીઃ ઈજાથી બચવા માટે બેટ્સમેનો ઉપરાંત વિકેટકીપર અને બેટ્સમેનની નજીક ફિલ્ડિંગ કરી રહેલા ફિલ્ડર હેલ્મેટ પહેરે છે. હવે આઇસીસીના અમ્પાયર સિડનીના કાર્લ વેન્ટજેલે કહ્યું છે કે સુરક્ષાનાં કારણસર અમ્પાયરોને પણ હેલ્મેટ પહેરવાની મંજૂરી આપવી જોઈએ. વેન્ટજેલ ઓસ્ટ્રેલિયાની ઘરેલુ ટૂર્નામેન્ટમાં હેલ્મેટ પહેરીને જ અમ્પાયરિંગ કરે છે. ૨૦૦૧માં તેઓ એક મેચમાં અમ્પાયરિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમના પાંચ દાંત તૂટી ગયા હતા અને તેમણે ઓપરેશન કરાવવું પડ્યું હતું.

અખબાર ‘સિડની મોર્નિંગ હેરાલ્ડ’મા પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ અનુસાર ગત વર્ષે આ જ રીતે ઈઝરાયલના એક અમ્પાયર હિલેલ ઓસ્કરનું સ્ટમ્પ સાથે ટકરાઈને ઊછળેલાે બોલ માથામાં લાગવાને કારણે મૃત્યુ થયું હતું. વેન્ટજેલે પોતાની સાથે થયેલા અકસ્માતને યાદ કરતાં કહ્યું કે એ બહુ ભયાનક અકસ્માત હતો. હું ડાબી તરફ હટ્યો, પરંતુ બોલ સીધો મારા મોઢા પર વાગ્યો અને મારા પાંચ દાંત તૂટી ગયા.

વેન્ટજેલે અંતમાં કહ્યું, ”હવે અગાઉ કરતાં વધુ મજબૂત બેટથી ક્રિકેટ રમાય છે. બેટ ઘણા વજનવાળાં હોય છે. બેટ્સમેનો પણ અગાઉ કરતાં વધુ આક્રમકતાથી પ્રહાર કરવા લાગ્યા છે. તમારે કઈ તરફ ખસવું એ વિચારવા માટે બહુ ઓછો સમય મળે છે. હેલ્મેટ પહેરીને તમે સુરક્ષાની ચિંતાથી મુક્ત થઈને અમ્પાયરિંગ કરી શકો છે. ક્રિસ ગેલે પણ અમ્પાયરોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.”

You might also like