ફરી કંગાળ અમ્પાયરિંગઃ નો બોલ પર રાહુલ આઉટ થયો

બેંગલુરુઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગઈ કાલે રમાયેલી ટી-૨૦ શ્રેણીની અંતિમ મેચમાં ફરી એક વાર કંગાળ અમ્પાયરિંગ જોવા મળ્યું. બીજી ટી-૨૦ મેચમાં ઈંગ્લેન્ડની ટીમને અંતિમ ઓવરમાં ખરાબ અમ્પાયરિંગને કારણે બેટ્સમેન જો રૂટની વિકેટનું નુકસાન ભોગવવું પડ્યું હતું એવી જ રીતે ગઈ કાલે ત્રીજી ટી-૨૦ મેચમાં ભારતને પણ કે. એલ. રાહુલની વિકેટ ખરાબ અમ્પાયરિંગને કારણે ગુમાવવી પડી હતી.

નિર્ણાયક એવી ગઈ કાલની મેચમાં ટીમ ઇન્ડિયાએ બીજી જ ઓવરમાં જ કેપ્ટન વિરાટ કોહલીની કીમતી વિકેટ ગુમાવવી પડી, પરંતુ એનાથી પણ મોટો ઝટકો ટીમ ઇન્ડિયાને ઇનિંગ્સની આઠમી ઓવરમાં લાગ્યો, જ્યારે કે. એલ. રાહુલ બેન સ્ટોક્સની બોલિંગમાં બોલ્ડ આઉટ થઈને પેવેલિયનમાં પાછો ફર્યો.

એ સમયે રાહુલને નસીબ અને અમ્પાયરનો સાથ ના મળ્યો. રાહુલ ગઈ કાલે ખરાબ અમ્પાયરિંગનાે શિકાર બન્યો. જે બોલ પર રાહુલ આઉટ થયો એ બોલ ટીવી રિપ્લેમાં સ્પષ્ટપણે નો બોલ જોવા મળ્યો હતો અને ક્રિકેટના નિયમો અનુસાર નો બોલ પર રનઆઉટને બાદ કરતા કોઈ અન્ય રીતે બેટ્સમેન આઉટ થતો નથી. આ નો બોલને અમ્પાયરે જોયો જ નહોતો.

કોહલીના આઉટ થયા રાહુલ અને રૈનાએ મળીને ટીમ ઇન્ડિયાને સ્કોરને ૫૦ રન સુધી પહોંચાડી દીધો, પરંતુ ઇનિંગ્સની આઠમી ઓવરમાં જ્યારે રાહુલ બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૨૨ રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે બેન સ્ટોક્સની બોલિંગમાં એક મોટો શોટ રમવાની કોશિશમાં રાહુલ ક્લીન બોલ્ડ થઈ ગયો. રાહુલ મેદાન છોડીને ચાલવા લાગ્યો અને અમ્પાયર અનિલ ચૌધરીએ બોલરનું આ ઓવર સ્ટેપિંગ જોયું જ નહીં. આમ રાહુલ સ્પષ્ટ રીતે જોવા મળેલા નો બોલ પર આઉટ થઈ ગયો. જો ટીમ ઇન્ડિયાના અન્ય બેટ્સમેનોએ સારું પ્રદર્શન ના કર્યું હોત તો કદાચ ભારતને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હોત.
http://sambhaavnews.com/

You might also like