પાટીદારો અને શ્રદ્ધાળુ ભક્તો જેમના દર્શને આવીને ધન્યતા અનુભવે છે તે ‘ઊંઝાનાં ઉમિયા માતા’

અમદાવાદથી ૧૦૦ કિમીના અંતરે આવેલું ઊંઝા ગુજરાતનું પ્રાચીન નગર છે. આ નગર કડવા પાટીદારોનાં કુળદેવીનાં સ્થાનક તરીકે ભારતભરમાં તથા જીરું અને ઇસબગુલના સૌથી મોટા વેપારી મથક તરીકે વિશ્વભરમાં વિખ્યાત છે.

ઊંઝામાં આજે જેમનું ભવ્ય મંદિર છે અને લાખો કડવા પાટીદારો અને શ્રદ્ધાળુ ભક્તો જેમના દર્શને આવીને ધન્યતા અનુભે છે. એ ઉમિયા માતા બીજાં કોઇ નહીં પણ નગાધિરાજ હિમાલયનાં પુત્રી અને ભગવાન શિવનાં પત્ની પાર્વતી છે. એમનું બીજું નામ ઉમા-ઉમિયાજી છે. તેઓ કૈલાસ પર્વત પરથી ગુજરાતમાં કેવી રીતે આવ્યાં. તે અંગેની અનેક પૌરાણિક કથાઓ સાંપડે છે.

એક કથા અનુસાર જૂના જમાનામાં સિદ્ધપુર પુરાણ પ્રસિદ્ધ ‘શ્રીસ્થળ’ કહેવાતું. એનો મહિમા ઘણો મોટો હતો. તે યાત્રાધામ કહેવાતું. એક કથા મુજબ સિદ્ધપુરમાં વહેતી સરસ્વતી નદીમાં દેવો સ્નાન કરવા માટે આવતા. એક વાર ઉમા-મહેશ શ્રીસ્થળમાં સ્નાન કરવા માટે નિસર્યાં. શ્રીસ્થળની શોભા, પવિત્રતા, રમણિયતા અને અહીંની પ્રજાનો ભક્તિભાવ નિહાળી વસવાટ માટે ઉત્તમ સ્થળ જણાવ્યું. આ પ્રદેશમાં જ વસવાટ કરવા માટે શિવજી સમક્ષ પાર્વતીજીએ પ્રસ્તાવ રજૂ કર્યો.

ભોળાનાથે શક્તિપીઠ સ્થાપના માટે શ્રીસ્થળ નજીકના વિસ્તારમાં જગ્યા પસંદ કરી સ્વહસ્તે ઉમિયાજીની સ્થાપના કરી. ઉમિયા માતાનાં નામ ઉપરથી એ સ્થળ ઉમાપુર તરીકે ઓળખાયું. એ પ્રાચીન ઉમાપુર એ આજનું ઊંઝા કહેવાય છે.

એક વાર ભગવાન શિવ ગંગાજીના તટ ઉપર તપ કરી રહ્યા હતા. એ વખતે નારદ મુનિએ જઇને ભગવાન શંકરની સ્તુતિ કરી. આથી કરીને શંકર ભગવાન નારદજી પર પ્રસન્ન થયા. નારદજીએ બે હાથ જોડીને જનહિતાય માગણી કરી કે, ‘હે ભગવાન, પશ્ચિમ દિશામાં હિંગળાજ માતાનું ધામ છે. જેમનાં દર્શન વગર તપ અધૂરું ગણાય છે. એ દિશામાં દાનવોનો ત્રાસ વધતો જાય છે. ધર્મનો ક્ષય અને અધર્મનો જય થાય છે. પ્રજા દાનવોથી ત્રાહિમામ્ પોકારી ગઇ છે.

આપ આવો અને દાનવોનો ત્રાસ દૂર કરો. પશ્ચિમ દિશામાં હિંગળાજ દેવીનું ધામ છે. તેમની સ્તુતિ કરવાથી આ સિદ્ધિ સાંપડે છે. નારદજીની વિનંતી સાંભળી ભગવાન શિવે પાર્વતી સહિત એ દિસા પ્રતિ પ્રયાણ કર્યું. રસ્તામાં અડાબીડ જંગલ આવ્યું. એમાં રાક્ષસો રહેતા હતા. એમાં તારકાસુર નામનો મહાબળવાન અસુર રહેતો હતો.

ભગવાન શંકરને તારકાસુર સાથે યુદ્ધ થયું. એ વખતે પાર્વતીજીને થયું કે આવા અસુરો અહીં જંગલમાં વસે છે. તેમની સાથે યુદ્ધ થાય છે. આગળ કોણ જાણે કેવાંય જંગલો આવશે એટલે આગળ જવું હિતાવહ નથી. માટે એમણે શિવજીને પ્રાર્થના કરીને કહ્યું કે હે દેવ, મને આ ભૂમિમાં રહેવા દો.

આમ, હિમાલય પુત્રી પાર્વતી ગુજરાતમાં આવ્યાં. કિંવદંતી અનુસાર ભગવાન શંકરે તેમને અહીં સ્થાપ્યાં. પાર્વતીજી જંગલમાં રોકાઇ ગયાં. પછી શંકર ભગવાન હાથમાં ડાકલું અને ત્રિશૂળ લઇને પૃથ્વીનું પડ ગજાવતા આગળ વધ્યા. એકલાં પડેલાં પાર્વતીજી તો મૂંઝાયાં. જંગલમાં આખો દિવસ કેવી રીતે જાય? તેમણે એકસો પાંચ પૂતળાં બનાવ્યાં.

શિવજી જ્યારે અસુરો હણીને આવ્યા ત્યારે ઉમિયાજી બોલ્યા કે ‘હે દેવ, તમારી ગેરહાજરીમાં આ પૂતળાંઓ સાથે રમીને મેં વખત વિતાવ્યો છે. તમે સૃષ્ટિનાં કર્તાહર્તા છો. પૂતળાંને સજીવન કરી આપો.’ ભગવાને ઉમિયાજીની ઇચ્છા પૂર્ણ કરી. નિર્જિવ પૂતળાંમાં પ્રાણ પ્રગટાવ્યા. શિવ પાર્વતીએ મળીને પૂતળાંની બાવન જોડીઓને પરણાવી. એમાંથી કડવા પાટીદારોની પેટા જ્ઞાતિઓ ઊતરી આવી. પાટીદારોની આ બાવન શાખાઓએ પોતાની જીવનદાત્રી માતા ઉમિયાજીને કુળદેવી તરીકે સ્થાપી તેમની પૂજા અર્ચના શરૂ કરી.•

You might also like