ખાલિદ ૧૮ યુનિ.માં અફઝલનો શો કરવાનો હતોઃ આઈબી

નવી દિલ્હી: જેએનયુ વિવાદમાં દેશ વિરોધી સૂત્રોચ્ચાર અંગે વધુ એક નવો અને ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓએ પોતાના રિપોર્ટમાં એવો દાવો કર્યો છે કે આતંકી અફઝલ ગુરુના સપોર્ટમાં જેઅેનયુકાંડનો માસ્ટરમાઈન્ડ ઉમર ખાલિદ અનેક યુનિવર્સિટીઓમાં શો કરવાનો હતો. ઉમર ખાલિદે અનેક યુનિવર્સિટીઓમાં અફઝલ ગુરુના સપોર્ટમાં કાર્યક્રમો યોજવા માટે પોતાની ટીમો મોકલી હતી, જોકે આ રિપોર્ટમાં દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલ કન્હૈયાકુમારના નામનો ઉલ્લેખ નથી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉમર ખાલિદે અફઝલના સપોર્ટમાં દેશની ૧૮ યુનિવર્સિટીઓમાં ‘અફઝલ કા શો’ નામનો કાર્યક્રમ યોજવાની એક મોટી સાજિશ રચી હતી. આ માટે ઉમર ખાલિદે કાશ્મીરથી એક ખાસ ટીમ બોલાવી હતી.  એવું જણાવાયું છે કે જેએનયુ કેમ્પસમાં દેશ વિરોધી સૂત્રોચ્ચાર દરમિયાન સૌથી મોટી ભૂમિકા કાશ્મીરથી આવેલી ટીમના છોકરાઓની હતી. કાશ્મીરથી આવેલા આ યુવાનોને જેએનયુમાં ઉતારો આપવામાં આવ્યો હતો. ઉમર ખાલિદને તિહાર જેલમાં બંધ દિલ્હી યુનિ.ના પૂર્વ પ્રો. જી.એન. સાઈબાબા સાથે પણ સંબંધો હતો.

માઓવાદી કનેકશન ધરાવતા ડેમોક્રેટિક સ્ટુડન્ટ યુનિયનનો નેતા અને જેએનયુકાંડનો માસ્ટરમાઈન્ડ ઉમર ખાલિદ મહારાષ્ટ્રનો વતની છે. ઉમર ખાલિદે ૯ ફેબ્રુઆરીના રોજ અફઝલ ગુરુની ફાંસીની વરસી પર જેએનયુમાં કાર્યક્રમ કરાવ્યો હતો અને વિદ્યાર્થીઓને દેશ વિરોધી સૂત્રો પોકારવામાં માટે ઉશ્કેર્યા હતા.

આ કાર્યક્રમ રદ થયા બાદ જ્યારે ડેમોક્રેટિક સ્ટુડન્ટ યુનિયન અને ડાબેરીઓ જેએનયુમાં માર્ચ કરી રહ્યા હતા ત્યારે ઉમર ખાલિદે તેનું નેતૃત્વ સંભાળ્યું હતું. ૧૧મી ફેબ્રુઆરીના રોજ જ્યારે એબીવીપી વિરુદ્ધ ડાબેરીઓનું યુનિયન દેખાવો કરી રહ્યું હતું ત્યારે પણ ઉમર ખાલિદે કન્હૈયા સાથે હાજર હતો.

You might also like