બિનાની સિમેન્ટનાં ટેક ઓવર માટે અલ્ટ્રાટેકનો પ્રસ્તાવ મંજૂર

નવી દિલ્હીઃ નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યૂનલ (એનસીએલએટી) દેવામાં ફસાયેલી કંપની બિનાની સિમેન્ટના ટેક ઓવર માટે આદિત્ય બિરલા ગ્રૂપની અલ્ટ્રાટેક સિમેન્ટની સુધારેલી દરખાસ્તને મંજૂરી આપી છે. એનસીએલએટીનાં ચેરમેન ન્યાયમૂર્તિ એસ.જે. મુખોપાધ્યાયના વડપણ હેઠળની બે સભ્યોની બેન્ચે અલ્ટ્રાટેકના સુધારેલા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

બેન્ચે જણાવ્યું હતું કે પ્રતિસ્પર્ધી દાલમિયા ભારત ગ્રૂપની કંપની રાજપૂતાના પ્રોપર્ટીઝ દ્વારા રજૂ કરવામાં આવેલી યોજના કેટલાક નાણાકીય કરજદારો પ્રત્યે ભેદભાવયુક્ત હતી. આ અગાઉ સુપ્રીમ કોર્ટે ૨ જુલાઇનાં રોજ બિનાની સિમેન્ટની નાદારી સાથે સંકળાયેલ તમામ કેસ એનસીએલએટીને ટ્રાન્સફર કર્યા હતાં અને રોજ બરોજનાં આધારે સુનાવણી કરવા આદેશ કર્યો હતો.

બિનાની સિમેન્ટનાં કરજદારોની સમિતિએ સુધારેલો પ્રસ્તાવ રજૂ કરવા જણાવ્યું હતું અને ત્યાર બાદ અલ્ટ્રાટેક સિમેન્ટે રૂ. ૭,૯૦૦ કરોડનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જે એનસીએલએટી દ્વારા મંજૂર કરાયો છે.

You might also like