મિશેલ બાદ હવે વિજય માલ્યાઃ આજે તેના પ્રત્યર્પણ પર ચુકાદો આવવાની શક્યતા

નવી દિલ્હી: અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલિકોપ્ટર ડીલના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવવામાં સફળ રહેલ મોદી સરકાર હવે ભાગેડુ શરાબના વેપારી વિજય માલ્યાને ભારત લાવવાની કોશિશ કરી રહી છે.

સીબીઆઇના જોઇન્ટ ડાયરેકટર એસ.સાંઇ મનોહરની આગેવાનીમાં અધિકારીઓની એક ટીમ લંડન પહોંચી ગઇ છે અને આજે અધિકારીઓની આ ટીમ લંડનમાં વેસ્ટ મિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં માલ્યાના પ્રત્યાર્પણ કેસ પર થનારી સુનાવણી સમયે હાજર રહેશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઇ અધિકારીઓની ટીમ સાથે એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઇડી)ના બે અધિકારીઓ પણ લંડન ગયા છે. આ અધિકારીઓ વિજય માલ્યાનું પ્રત્યર્પણ કરાવીને તેમને ભારત લાવવા માટેના તમામ પ્રયાસો કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે મનોહર આ અગાઉ રાકેશ અસ્થાનાના નેતૃત્વવાળી સીટમાં સામેલ હતા. મનોહર હવે સ્પેશિયલ ડાયરેકટર રાકેશ અસ્થાનાનું સ્થાન લેશે કે જેઓ અત્યાર સુધીની સુનાવણીમાં અગાઉ સામેલ થયા હતા.

સીબીઆઇ ડાયરેકટર આલોક વર્મા સાથે વિવાદ થયા બાદ રાકેશ અસ્થાનાના તમામ અધિકારો પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને તેમને રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. વિજય માલ્યા ભારતીય બેન્કોને રૂ.૯,૦૦૦ કરોડ કરતાં વધુ રકમનો ચુનો લગાવવાના કેસમાં આરોપી છે.

વિજય માલ્યા પોતાના વિરુદ્ધ સીબીઆઇની લુકઆઉટ નોટિસને નબળી પાડવાનો ફાયદો ઉઠાવીને માર્ચ ર૦૧૬માં બ્રિટન ભાગી ગયો હતો. તાજેતરમાં વિજય માલ્યાએ મિશેલના ભારતને પ્રત્યર્પણથી ગભરાઇને બેન્કોનું ૧૦૦ ટકા મુદ્દલ ચૂકવવા તૈયારી બતાવી હતી અને તેણે આ બાબતમાં ટ્વિટ કરતાં લખ્યું હતું કે મેં એક રૂપિયો પણ ઉધાર લીધો નથી. બેન્કોની લોન કિંગફિશર એરલાઇન્સે લીધી હતી. કિંગફિશરનો બિઝનેસ દુર્ભાગ્યપૂર્ણ નિષ્ફળ જતાં આ નાણાં ડૂબી ગયા હતા. ગેરંટર હોવું એ કોઇ છેતરપિંડી નથી.

ભારત લાંબા સમયથી વિજય માલ્યાના પ્રત્યર્પણની કોશિશ કરી રહ્યું છે. આ અગાઉ પણ સીબીઆઇ સહિત બીજા અધિકારીઓ આ સંદર્ભમાં લંડન જઇ ચૂકયા છે. લંડનમાં માલ્યાની ધરપકડ પણ થઇ ચૂકી હતી, પરંતુ તેને જામીન મળી ગયા હતા. લંડનની વેસ્ટ મિન્સ્ટર કોર્ટમાં માલ્યાના પ્રત્યાર્પણના કેસની સુનાવણી ૪ ડિસેમ્બરથી શરૂ થઇ છે, જેનો આજે ચુકાદો આવે તેવી શકયતા છે.

You might also like