‘ઉજાલા’નાં વેચાણમાં અંધારું, શહેરીજનોને થતાં ‘ધરમધક્કા’

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા ઉજાલા બલ્બ ખરીદવાની થતી અપીલને કારણે હજારો લોકો વીજળીનું બિલ બચાવવા એલઇડી ઉજાલા બલ્બ ખરીદવા લાઇન લગાવે છે પરંતુ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મુખ્ય થલતેજ સબ ડિવિઝન અને સુવિધા સેન્ટર પર બલ્બનો જથ્થો ખૂટી પડતાં રોજ અનેક લોકો દૂર દૂરથી બલ્બ લેવા આવીને ધક્કા ખાઇ પાછા જાય છે. કેટલાક લોકો બલ્બ ખરાબ નીકળવા કે ઉડી જવાના કારણે બદલવા માટે ચાર ચાર દિવસ સેન્ટર પર ધક્કા ખાઇ રહ્યા છે. કેટલાક સેન્ટર પર સ્ટોક કરતા લોકોની સંખ્યા વધુ હોવાના કારણે પણ લોકોને છેલ્લે લાઇન છોડી પાછા જવું પડે છે.

કલેકશન સેન્ટર પર પહોંચ્યા પછી લોકોને ખબર પડે છે કે સ્ટોક ખલાસ છે અમદાવાદ શહેરમાં કુલ આઠ સેન્ટર પરથી એલઇડી ઉજાલા બલ્બનું વેચાણ થાય છે. એસ.જી. હાઇવે, નવરંગપુરા, પાલડી, શાહપુર, નરોડા, મણિનગર, રખિયાલ અને સાબરમતીમાં વેચાણ કેન્દ્રો શરૂ કરાયાં છે. પરંતુ થલતેજ સેન્ટર પરથી છેલ્લા પાંચ દિવસથી સ્ટોક ખલાસ હોઇ અનેક લોકો ધક્કા ખાઇ રહ્યા છે. થલતેજ વિસ્તાર ખૂબ જ મોટાે હોવાથી જોધપુર સેટેલાઇટ ડ્રાઇવ ઇન, થલતેજ, શીલજ, બોડકદેવ સહિતના દૂર દૂરના વિસ્તારોમાંથી ઉજાલા બલ્બ લેવા માટે લોકોએ ઘસારો કર્યો હતો પરંતુ ચોકીદાર સિવાય કોઇ જવાબ આપનાર મળતું નથી.

ઉજાલા બલ્બ ડિસ્ટ્રિબ્યુશન હેલ્પ લાઇન નંબર ૦ર૬પ-ર૩૪૩૬૭૮ સતત બિઝી રહેતો હોવાના કારણે તેના પર લોકોને સાચી માહિતી મેળવવામાં પણ તકલીફ પડી રહી છે. આજે પણ થલતેજ સેન્ટર ખાતે પ૦૦ લોકો બલ્બ ખરીદવા લાઇનમાં ઊભા છે અને બલ્બ માત્ર ૩પ૬ની સંખ્યામાં ઉપલબ્ધ હોય અનેક લોકો પાછા જઇ રહ્યા છે.

યોજના શરૂ થયા બાદ અમદાવાદ શહેરમાં કુલ પ,૬૮,૦૦૦ બલ્બનું વેચાણ થયું છે. રાજયના રપ જિલ્લામાં હાલમાં બલ્બનું વેચાણ થઇ રહ્યું છે.  જેમાં સૌથી ઓછું વેચાણ ગાંધીનગરમાં ૭પ હજાર બલ્બનું અને સૌથી વધુ વેચાણ રાજકોટ પ.પ૪ લાખ બલ્બનું થયું છે.

કેન્દ્ર સરકાર દ્વારા ઉજાલા યોજના અંતર્ગત એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે એજન્સી દ્વારા ખરીદ-વેચાણ-સ્ટાફ વગેરેની કામગીરી થતી હોવાથી વેચાણ સેન્ટર પર કોન્ટ્રાકટર સિવાય જવાબ વ્યકિત હાજર રહેતી નથી બલ્બનું વેચાણ જીઇબી નહીં પરંતુ ખાનગી કંપની દ્વારા થતું હોઇને સરકારના અધિકારી પણ આ મુદ્દે જવાબ આપવા તૈયાર નથી.

મારો બલ્બ ત્રણ જ દિવસમાં ઊડી ગયો. હું ચાર દિવસથી બદલવા માટે ધક્કા ખાઉં છું અને અહીં હવે તાળા જોવા મળી રહ્યા છે .
ગિરીશભાઈ, નવરંગપુરા

મેં અડધા દિવસની રજા લીધી કારણ કે બલ્બ ખરીદી માટે ખૂબ જ લાંબી લાઇનો હોય છે. ત્યાં ગયા પછી ખબર પડી સ્ટોક નથી. હવે ફરી રજા લેવી અને ભાડું ખર્ચ કરવું બલ્બ ખરીદી માટે મને મોંઘું પડે.
રૂપેશ પંડ્યા, નહેરુનગર

આવી રીતે તડકામાં લાઇનમાં ઊભા રહ્યા પછી બલ્બ મળશે કે કેમ એની કોઇ ગેરંટી નથી માટે હવે ધક્કો ખાઇને પાછી જાઉં છું.
પુષ્પાબેન પુરસ્વાની, બોડકદેવ

એક દિવસ ચાર કલાક લાઇનમાં ઊભા રહ્યા પછી મારો વારો આવ્યો ત્યારે બલ્બ ખલાસ થઇ ચૂક્યા હતા. બલ્બની કિંમતના ચાર ધક્કા ખાઇ ચૂકી છું.
બીનાબેન વૈદ્ય, ગુુરુકુલ

માણસોની સંખ્યા જોતા અમારો વારો આવે ત્યારે બલ્બ મળે તેવી કોઇ શક્યતા નથી. હસબન્ડને રજા લેવડાવીને આવ્યા છીએ હવે પાછા જઇ રહ્યા છીએ.
પ્રફુલ્લાબેન શાહ, ઘાટલોડિયા

You might also like