ઊડતા પંજાબઃ ૮૯થી ૧૩ કટ્સ પર આવ્યું સેન્સર બોર્ડ

મુંબઈ: શાહિદ કપૂર, કરીના કપૂર અને આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ઊડતા પંજાબ’ને લઈને બોમ્બે હાઈકોર્ટમાં આજે સુનાવણી થશે. સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને કોર્ટને જણાવ્યું કે તેણે ફિલ્મ મેકર્સને ૧૩ કટ્સની સાથે એ સર્ટિફિકેટ આપવાની વાત કરી છે. ‘ટોમી’ અને ‘ચિટ્ટાવે’ જેવા શબ્દો, ૧૪ ગાળો અને પંજાબના આઠ શહેરોનાં નામ હટાવવાની વાત કહેવાઈ છે. આ પહેલાં સેન્સર બોર્ડ ચીફ પહલાજ નિહલાનીએ મૂવીના ટાઈટલ અને વિષયમાંથી પંજાબનું નામ હટાવવાની વાત કરી હતી.

ફિલ્મ મેકર અનુરાગ કશ્યપે બોમ્બે હાઈકોર્ટમાં સેન્સર બોર્ડ વિરુદ્ધ અરજી કરી છે તેની પર સુનવણી થવાની છે. ગઈ કાલે કોર્ટે સુનવણી દરમિયાન બોર્ડને પોતાનો પક્ષ રાખવાનું કહ્યું. ૧૩ કટ્સની સાથે એ સર્ટિફિકેટનાં સૂચન પર ફિલ્મ મેકર્સ આજે જવાબ આપશે. ફિલ્મની રિલીઝ ડેટ પણ ૧૭ જૂનના બદલે જુલાઈમાં શિફ્ટ કરાઈ છે.

અનુરાગે નિહલાની પર આક્ષેપ કર્યા હતા કે ફિલ્મ મેકર્સે જ શા માટે વારંવાર ઈમાનદારી સાબિત કરવી પડે છે. જવાબમાં નિહલાનીએ કહ્યું હતું કે ફિલ્મમાં પંજાબના ૭૦ લોકોને ડ્રગ્સ લેતા બતાવાયા છે. ફિલ્મ બનાવવા માટે આમ આદમી પાર્ટીએ રૂપિયા આપ્યા છે. સીન કાપવાનો નિર્ણય સમગ્ર પેનલનો છે માત્ર મારો નહીં.

સેન્સર બોર્ડે મૂવીની શરૂઆતમાં પંજાબનું સાઈન બોર્ડ હટાવવા તેમજ પંજાબ, જલંધર, ચંડીગઢ, અમૃતસર, તરનતારન, જસનપુરા, અંબેસર, લુધિયાણા અને મોગાનાં બોર્ડ અને ડાયલોગ હટાવવાનું કહ્યું. આ ઉપરાંત ઈલેકશન, એમપી, પાર્ટી, પંજાબ, એમએલએ અને પાર્લામેન્ટ જેવા શબ્દો પણ હટાવવાનું કહ્યું. આ ઉપરાંત ડ્રગ્સના ઈન્જેકશન લેતાં ક્લોઝઅપ શોર્ટ હટાવવાનું પણ કહેવાયું.

You might also like