ભાજપને ભયો ભયો કરી ઉદેસિંહ બારીયાએ ઝાલ્યો કોંગ્રેસનો હાથ

વડોદરાઃ બે દિવસ અગાઉ વડોદરા જિલ્લાના ભાજપ નેતા ઉદેસિંહ બારીયાએ ભાજપમાંથી રાજીનામું આપતં રાજકીય વર્તુળમાં ખળભળાટ મચી ગયો હતો. અને આજે ઘરવાપસી કરતાં ઉદેસિંહ બારીયા વિધિવત કોંગ્રેસમાં જોડાયા હતા. એટલું જ નહી બે દિવસ અગાઉ ઉદેસિંહે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીને લખેલા પત્રમાં ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને અનુલક્ષીને સ્ફોટક નિવેદન કર્યા છે.

વડોદરામાં આજે કૉંગ્રેસ શાસિત 9 જિલ્લા પંચાયતના નવ નિયુક્ત પદાધિકારીઓની તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં ગુજરાતના પ્રભારી ગુરુદાસ કામત, પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન દેવસિંહ બારીયાએ આ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કૉંગ્રેસમાં ઘર વાપસી કરી હતી.

ઉદેસિંહે ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીને પત્ર લખીને જણવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી ગયા ત્યારબાદ ગુજરાતનું સૂકાન કાળા બજારીયા, ભ્રષ્ટાચારીઓ, બે નંબરીયાઓના હાથમાં ગયું હોય, તેવું મેં અનુભવ્યું છે. તેનાથી વ્યથિત થઈને હું ભાજપમાંથી રાજીનામું આપી રહ્યો છું.

વધુમાં તેમણે આક્ષેપ કર્યો છે કે, ભાજપમાં કાળા બજારીયા, ભ્રષ્ટાચારીઓ, બે નંબરીયાઓના હાથમાં સૂકાન ગયું તે અંગે મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેંદ્ર મોદીને પણ પત્ર લખીને જાણ કરી હોવા છતાં અમારી વાત કોઈ સાંભળતું નથી કે કોઈ પગલાં લેવાતા નથી.

2007માં વિધાનસભાની ચુંટણીમાં હારનો સ્વાદ ચાખ્યા બાદ ઉદેસિંહ બારીયા ભાજપમાં જોડાયા હતા. કૉંગ્રેસ સરકારમાં મંત્રીપદે રહી ચૂકેલા ઉદેસિંહ બારીયાએ 2012 ગુજરાત વિધાનસભા અને 2014ની લોકસભા ચુંટણીમાં ભાજપને જીતાડવા માટે ભારે મહેનત કરી હતી. વડોદરા જિલ્લામાં કોંગ્રેસનો દબદબો ખતમ કરવામાં બારિયાએ મોટું યોગદાન આપ્યું છે.

You might also like