મોદીની સ્થિતિ વાજપેયી જેવી ન થાય: શિવસેના

મુંબઇ: મહારાષ્ટ્રમાં ભાજપ સાથે ગઠબંધનમાં સરકાર બનાવનાર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, નરેન્દ્ર મોદી અચાનક પાકિસ્તાન જતાં હચમચી ઉઠ્યાં છે. શિવસેનાના મુખપત્ર ‘સામના’માં ઉદ્ધવ ઠાકરેનો એક લેખ છપાયો છે, જેમાં મોદીની પાકિસ્તાન યાત્રાને આડે હાથ લેવામાં આવી છે.

શિવસેના પ્રમુખે કહ્યું કે મોસ્કો અને કાબુલની યાત્રાથી પરત ફરતી વખતે મોદીનું અચાનક પાકિસ્તાન જવું કોઇ માસ્ટર સ્ટ્રોક ઓછું નથી. સામનાના લેખમાં કહેવામાં આવ્યું છે કે ‘મોસ્કો, કાબુલની યાત્રા દરમિયાન મોદીના હવાઇ જહાજે અચાનક લાહોરની તરફ વળીને રાજકીય ‘માસ્ટર સ્ટ્રોક’ માર્યો છે, એવી ચર્ચા શરૂ થઇ ગઇ છે. ધુરંધર રાજકારણી હોવાના લીધે નરેન્દ્ર મોદી આ પ્રકારનો સાહસિક નિર્ણય લઇ શકે છે, એવું કહેવામાં આવી રહ્યું છે.

સામનામાં છપાયેલા લેખમાં કહેવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીએ શરીફને ના ફક્ત જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી પરંતુ તેમના ઘરે જઇને તેમની પૌત્રીના લગ્નમાં પણ હાજરી આપી. તેમની માતાને નમસ્કાર પણ કર્યા. આવી ઘણી ઘટનાઓ અચાનક ઘટી અને નરેન્દ્ર મોદી ફરી એકવાર દિલ્હી પરત ફર્યા. હવે જો નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર નવાજ શરીફ પણ અચાનક દિલ્હી આવી જાય તો કોઇને આશ્વર્ય થવું ન જોઇએ.

સામનામાં પૂછવામાં આવ્યું કે જો કોગ્રેસનો કોઇ વડાપ્રધાન આ પ્રકારે પાકિસ્તાન જાય તો શું ભાજપ તે સમયે પણ તેમના આવા પગલાંનું સ્વાગત કરત? ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે નરેન્દ્ર મોદી પાકિસ્તાન સાથે સંબંધ સુધારવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે, તે પ્રશંસનીય છે પરંતુ જો આ પ્રકારના પ્રયત્નોમાં કોગ્રેંસના કોઇ વડાપ્રધાન ત્યાં જાત તો શું ભાજપ તેનું જોરદાર સ્વાગત કરત.? ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આ પ્રશ્ન આખા દેશના મનમાં ચાલી રહ્યો છે.

શિવસેનાએ પાકિસ્તાનની જમીનને શાપિત ગણાવી છે. મુખપત્ર સામનામાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી ભારત માટે જે નેતાએ પાકિસ્તાન સાથે અંતર ઘટાડવાના પ્રયત્નો કર્યા છે તેનું રાજકીય કેરિયર અંધકારમય થઇ ગયું છે. સામનામાં ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. લેખમાં લખવામાં આવ્યું છે કે ‘શ્રી લાલકૃષ્ણ અડવાણી ‘જિન્ના’ની કબર પર જઇને તેમના ગુણગાન કરી આવ્યા અને તેમનો રાજકીય ગ્રાફ નીચે સરકવા લાગ્યો અને આજે તે એકલતા અનુભવી રહ્યાં છે. વાજપેયીએ પાકિસ્તાન સાથે સંબંધ સુધારવા માટે મનથી ‘લાહોર બસ’ શરૂ કરવાથી માંડીને આગરામાં જનરલ મુશર્રફ સાથે મુલાકાત કરી પરંતુ ત્યારબાદ વાજપેયીના નેતૃત્વમાં ભાજપની સરકાર ફરી સત્તામાં ન આવી શકી. પાકિસ્તાનની ભૂમિ આ રીતે શાપિત છે.

સામનામાં કહેવામાં આવ્યું કે પાકિસ્તાનની જમીન એટલા માટે શાપિત છે કે કારણ કે ત્યાં લાખો માસૂમોનું લોહી વહે છે. મોદી-શરીફ મુલાકાતથી બંને દેશો વચ્ચે તણાવ દૂર થઇને નવા વર્ષનો પ્રારંભ થશે તો આ કોને ન જોઇએ. મોદી પણ વાજપેયીની માફક દગો ન ખાય એ જ અમે ઇશ્વર પાસે પ્રાર્થના કરીએ છીએ.

You might also like