UAE સરકારે જપ્ત કરી દાઇદની 15 હજાર કરોડની સંપત્તિ

નવી દિલ્હીઃ સંયુક્ત અરબ અમીરાત સરકારે ભારતના મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની 15000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. વર્ષ 1993માં મુંબઇ સીરિયલ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ દાઉદ વિરૂદ્ધ આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે. મીડિયા રિપોર્ટમાં એ દાવો કરવામાં આવ્યો છે કે સંયુક્ત અરબ અમીરાતના સરકારી સૂત્રોએ દાઉદની 15000 કરોડ રૂપિયાની સંપત્તિ મંગળવારે જપ્ત કરી લીધી હોવાની પુષ્ટી કરી  છે.

મળતી માહિતી મુજબ દાઉદની UAEમાં ઘણી જ સંપત્તિ છે. જેમાં હોટલ અને અનેક કંપનીઓમાં શેર પણ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે દુબઇમાં પણ દાઉદની સંપત્તિને સીલ કરવામાં આવી છે. ભારતમાંથી દાઉદની સંપત્તિની સંપૂર્ણ યાદી પ્રાપ્ત થયા બાદ હાલમાં જ UAE સરકારે તેની તપાસ શરૂ કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગત વર્ષની UAEની યાત્રા દરમ્યાન આ યાદી દુબઇ સરકારને સોંપવામાં આવી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ આ યાત્રામાં મોદી સાથે હતા. ભારત સરકારે UAE સરકારને દાઉદ અને તેના સિન્ડિકેટની સંપત્તિઓ જપ્ત કરવાનો આગ્રહ કર્યો હતો. ભારત દ્વારા આપવામાં આવેલી યાદીમાં દાઉદના ભાઇ અનીસ ઇબ્રાહિમની દુબઇ સ્થિત કંપની ગોલ્ડન બોક્સનું નામ પણ શામેલ છે.

દુબઇ સિવાય દાઉદ મોરક્કો, સ્પેન, સિંગાપુર, થાઇલેન્ડ, સાઇપ્રસ, ટર્કી, ભારત, પાકિસ્તાન અને બ્રિટિશમાં પણ રોકાણ કરી ચૂક્યો છે. આ પહેલાં ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે સરકાર દાઉદને ભારતમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે. અમેરિકા પણ દાઉદ પાકિસ્તાનમાં જ હોવાની પુષ્ટી કરી ચૂક્યું છે.

home

You might also like