જેરુસલેમ પરનો નિર્ણય પર અમેરિકા UNમાં એકલું પડી શકે છે

અમેરિકાએ જેરુસલમને ઈઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપવા સંબંધિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને ફગાવી દેતા સંયુક્ત રાષ્ટ્ર સંઘના એક મુસદ્દા પર અમેરિકાએ પોતાનો વીટો લગાવ્યો હતો. સુરક્ષા પરિષદના ૧૪ અન્ય તમામ દેશે આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.

અમેરિકાના રાજદૂત નિક્કી હેલી દ્વારા વીટોનો ઉપયોગ કરવામાં આવતાં અમેરિકન દૂતાવાસને તેલ અવીવથી જેરુસલેમને લઈ જવાના નિર્ણય પર વોશિંગ્ટન એકલું પડી જવાની શક્યતા છે. સુરક્ષા પરિષદના ૧૫ સભ્યમાંથી મિત્ર દેશો બ્રિટન, ફ્રાંસ, ઈટાલી, જાપાન અને યુક્રેન સહિત ૧૪ દેશે સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રસ્તાવને સમર્થન આપીને ભારપૂર્વક જણાવ્યું છે કે જેરુસાલેમના દરજ્જા પર કોઈ પણ નિર્ણયની કાનૂની પ્રભાવ પડશે નહીં અને તે બિનઅસરકારક રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પેલેસ્ટાઈન અને આંતરરાષ્ટ્રીય સમુદાયના વિરોધ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બે સપ્તાહ પહેલા જેરુસલેમને ઈઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપતી ઐતિહાસિક જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પનાં પગલાંનું આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ સાથે સાથે અમેરિકામાં પણ તેનો વિરોધ થઈ રહ્યો છે.

યહુદીઓ, મુસ્લિમો અને ખ્રિસ્તીઓ ત્રણેય ધર્મના લોકોનાં પવિત્ર સ્થળ જેરુસલેમને એક બાજુ ઈઝરાયેલ પોતાની રાજધાની ગણાવી રહ્યું છે તો બીજી બાજુ પેલેસ્ટાઈન પણ પોતાની ભવિષ્યની રાજધાની ગણાવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને દુનિયાના મોટા ભાગના દેશો સમગ્ર જેરુસલેમ પર ઈઝરાયેલના દાવાને માન્યતા આપતા નથી.

You might also like