ટાયર ફાટતાં કાર પલટી ખાઈ રોંગસાઈડમાં પટકાઈઃ સાતને ઈજા

અમદાવાદ: શહેરનો સરખેજ-ગાંધીનગર હાઇવે હવે અકસ્માત ઝોન બની ગયો છે. એસજી હાઇવે પર દિવસના બે અકસ્માતના બનાવો બની રહ્યા છે. વહેલી સવારે અને મોડી રાતે બેફામ સ્પીડે વાહનચાલકો હાઇવે પર વાહન ચલાવતા હોઈ અકસ્માતના બનાવો વધી રહ્યા છે.

આજે સવારે થલતેજ અંડરબ્રિજમાં ૧૦૦થી વધુની સ્પીડે જતી કારનું ટાયર અચાનક ફાટતાં તેણે ચારથી પાંચ બાઇકસવારને અડફેટે લીધા હતા, જેેમાં કાર ચાલક અને યુવતી સહિત સાત લોકોને ઇજા થતાં સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે, તેમાં બે વ્યક્તિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે.

મળતી માહિતી મુજબ આજે સવારે ૯-૦૦ વાગ્યાની આસપાસ એક કારચાલક સરખેજ-ગાંધીનગર હાઇવે પર સરખેજથી ગાંધીનગર તરફ જઇ રહ્યો હતો દરમ્યાનમાં થલતેજ અંડરબ્રિજમાં ૧૦૦થી વધુની સ્પીડે એક કાર જઇ રહી હતી. અચાનક જ કારનાં આગળ અને પાછળનાં બંને ટાયર ફાટી જતાં કારચાલકે કાર પરનો કાબૂ ગુમાવતાં કાર હાઇવે પર આવેલા લાઇટના થાંભલાને અથડાઇ હતી. કારચાલક કારને કાબૂમાં કરવા જતાં ડિવાઇડર સાથે અથડાઇ સામેના રોડ પર ફંગોળાઇ હતી અને હાઇવે પર જતા કેટલાક બાઇકચાલકને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારની પાછળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મંથન રાઠોડ, ગૌરવ શર્મા, હર્ષ રાવલ, ભૂપેશ શર્મા, ઇશ્વર સુથાર, વિકાસ સુથાર અને જૈનિશા શાહને ઇજા થતાં તાત્કા‌િલક સારવાર અર્થે ૧૦૮માં સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં બે વ્યક્તિની હાલત ગંભીર જણાવાઇ રહી છે.

અકસ્માતના પગલે થલતેજ અંડરબ્રિજમાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. જોતજોતામાં લોકોનાં ટોળે ટોળાં એકત્ર થઇ ગયાં હતાં. ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને કરાતાં એ ડિવિઝન પોલીસનો કાફલો તાત્કા‌િલક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક જામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સરખેજ-ગાંધીનગર હાઇવે પર છાશવારે અકસ્માતના બનાવો બની રહ્યા છે. ખાસ કરીને કારચાલકો હાઇવે પર બેફામ સ્પીડે કાર ચલાવી અકસ્માત સર્જતા હોવાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે અને લોકોનો જિદગી સાથે ખેલી રહ્યા છે. એસજી હાઇવે પર ગમખ્વાર અકસ્માતના બનાવો વધી રહ્યા છે, છતાં પણ ટ્રાફિક પોલીસ આવા બેફામ વાહનચાલકો સામે કોઇ કાર્યવાહી હાથ ધરાતી નથી.
http://sambhaavnews.com/

You might also like