બે યુવાનોનો ગળાફાંસો ખાઇ આપઘાત અકસ્માતે દાઝી જવાથી બેનાં મોત

અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં અપમૃત્યુના ચાર બનાવ બન્યા છે. જેમાં બે યુવાનોએ આત્મહત્યા કરી હતી જ્યારે બે વ્યક્તિનાં અકસ્માતે દાઝી જવાથી મોત થયા હતા.  પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે સરદારનગરમાં નોબલનગર ખાતે આવેલ વાલ્મિકી આવાસ યોજનામાં રહેતા સંજયભાઇ ખંડુજી ભગતે સાંજના સુમારે પોતાના ઘરમાં જ હાથની નસ કાપી નાખ્યા બાદ પંખાના હુક સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઇ લઇ આત્મહત્યા કરી હતી.

આ વ્યક્તિનાં આપઘાત કરવા પાછળનું કોઇ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળી શક્યું નથી. જ્યારે શાહઆલમમાં સફી મંજિલ પાસે આવેલ મુખીની ચાલી ખાતે રહેતાં મોહિન મહેબુબભાઇ બિયાવરવાલા નામના ૧૮ વર્ષના યુવાને પણ મોડી રાત્રે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી નાખ્યું હતું. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલીક પહોંચી જઇ લાશને પીએમ માટે મોકલી આપી હતી. આત્મહત્યા કરનાર યુવાનનાં ઘરનાં સભ્યો તેમજ આજુબાજુના લોકોની પૂછપરછ કરી પોલીસે નિવેદનો લીધા છે. પરંતુ આ ઘટના પાછળનું કોઇ કારણ જાણવા મળ્યું નથી. પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત સરદારનગરમાં નોબલનગર ખાતે આવેલ ખોડિયારનગર વિભાગ-૩માં રહેતા ભરતભાઇ મફતભાઇ ચૌહાણના પત્ની પ્રાઇમસ પર રસોઇ બનાવતા હતા ત્યારે અચાનક જ સાડીમાં આગ લાગતા ભરતભાઇ તેને બચાવવા જતા ગંભીર પણે દાઝી ગયા હતા. તેમનું સિવીલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું. તથા શાહપુર દરવાજા અંદર શંકરભુવન નજીક આવેલા છાપરામાં રહેતી જ્યોત્સનાબહેન કુણાલભાઇ દાતણીયા નામની ર૦ વર્ષની યુવતી પ્રાઇમસ પર રસોઇ બનાવતી હતી ત્યારે અકસ્માતે દાઝી જતાં તેને ગંભીર હાલતમાં વી.એસ. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઇ હતી. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

You might also like