બાવળા નજીક આઇશર પાછળ બાઈક ઘૂસી જતાં બે યુવાનનાં મોતઃ એક ગંભીર

અમદાવાદ: બાવળા-બગોદરા રોડ પર ઢેઢાળ ચોકડી પાસે આઇશર ગાડી પાછળ બાઈક ઘૂસી જતાં બાઈકસવાર ત્રણ યુવાનો પૈકી બે યુવાનના ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયા હતા. જ્યારે એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતાં તે હાલમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનાની વિગત એવી છે કે બાવળા પાસે આવેલા રૂપાલ ગામ ખાતે રહેતા સાલીલ ઇકબાલ વોરા (ઉં.વ.૧૮), સમીર ઇરફાન વોરા (ઉં.વ.૧૮) અને તનવીર વોરા આ ત્રણેય મિત્રો બાઈક પર ત્રણ સવારી ગઇ કાલે સાંજે ૭-૦૦ વાગ્યે બાવળા-બગોદરા રોડ પર ઢેઢાળ ચોકડી પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે આગળ જઇ રહેલી આઇશર ગાડી પાછળ બાઇક ઘૂસી જતાં આ ગમખ્વાર ઘટના બની હતી.

બાઇક આઇશર ગાડી પાછળ ઘૂસી જતાં ત્રણેય યુવાનો રોડ પર પટકાયા હતા. જેમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી સાલીલ વોરા અને સમીર વોરાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તનવીર વોરાને ગંભીર ઇજાઓ પહોંચતાં તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે.

બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ બંને લાશને પીએમ માટે મોકલી આપી આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like