બાપુનગરમાં બે યુવક છરીથી એક બીજા પર તૂટી પડ્યાઃ એકનું મોત

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે બાપુનગર વિસ્તારમાં હત્યાની કોશિશની ફરિયાદના આરોપી અને મુખ્ય સાક્ષીએ મોડી રાતે એકબીજા પર ચપ્પુ હુલાવતાં આરોપીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બાપુનગરના મોહનનગર પાસે બે રિક્ષા વચ્ચે થયેલા અકસ્માત બાદ આરોપી અને સાક્ષીએ એક બીજા પર દુશ્મનાવટ કાઢવા માટે જાહેરમાં ચપ્પા વડે હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.

બાપુનગરમાં આવેલ મોહનનગર પાસે સત્યમ્ ફ્લેટમાં રહેતા અને કઠવાડા જીઆઇડીસીમાં મુખવાસનું કારખાનું ધરાવતા સુરેશ તેજાભાઇ ચૌધરીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં અમિત ઉર્ફે શાકાલ પટેલ વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ લખાવી છે ત્યારે મોહનનગરમાં રહેતી ૬૦ વર્ષીય ત્રિવેણીબહેન ભગવાનભાઇ પટેલે તેમના પુત્રની હત્યા કરવામાં સંડોવાયેલા સુરેશ ચૌધરી વિરુદ્ધમાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
કરાવ્યો છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર પાંચ મહિના અગાઉ મોહનનગરમાં સુરેશ ચૌધરીના મિત્ર ધર્મેશભાઇ જયસ્વાલની ભાણેજ વહુ નિમિષાબહેન સાથે અમિત પટેલે અગમ્ય કારણસર ઝઘડો કર્યો હતો. આ ઘટનામાં અમિતે નિમિષાબહેનને ચપ્પાના ઘા ઝીંકીને હત્યા કરવાની કોશિશ કરી હતી. જેની ફરિયાદ બાપુનગર પોલીસ સ્ટેશનમાં થઇ હતી. આ કેસમાં મુખ્ય સાક્ષી તરીકે અમિત વિરુદ્ધમાં સુરેશ ચૌધરીએ જુબાની આપી હતી. આ મામલે અમિત અને સુરેશ વચ્ચે તકરાર ચાલતી હતી

ગઇ કાલે મોડી રાતે મોહનનગર રોડ પર બે રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં રિક્ષાચાલક અને પેસેન્જરોને સામાન્ય ઇજા પહોંચી હતી. આ અકસ્માતની ઘટનાને લઇ મોહનગર રોડ પર ભારે ટ્રાફિક જામ થયો હતો તે સમયે સુરેશ પોતાનું કારખાનું બંધ કરીને તેના ઘરે આવ્યો હતો. ટ્રાફિક ક્લિયર કરવા માટે સુરેશે બંને રિક્ષાને મોહનનગરમાં આવેલ હનુમાનજીના મંદિર પાસે મૂકી હતી.

દરમિયાનમાં અમિત હનુમાનજીના મંદિર પાસે આવી ગયો હતો અને બંને રિક્ષાને ખસેડવાનું કહીને સુરેશ સાથે માથાકૂટ શરૂ કરી હતી. બંને એક બીજા પર ઉશ્કેરાયા હતા અને જાહેરમાં બીભસ્ત ગાળો બોલીને મારમારી શરૂ કરી દીધી હતી. સ્થાનિકો બન્ને વચ્ચે થયેલી મારામારી જોઇ રહ્યા હતા ત્યારે અચાનક અમિતે તેની પાસે રહેલું ચપ્પુ કાઢ્યું હતું અને સુરેશ પર હુલાવવાનું શરૂ કરી દીધું હતું સુરેશના શરીર પર આડેધડ ચપ્પાના ઘા વાગતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો ત્યારે બીજી તરફ સુરેશે પણ અમિત ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં તે પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

અમિત અને સુરેશને ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ અમિતને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ બાપુનગર પોલીસને થતાં તે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ટોળાંને વેરવિખેર કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હાલ પોલીસને બંને વિરુદ્ધમાં ક્રોસ ફરિયાદ દાખલ કરી છે અને સુરેશને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થયા બાદ ધરપકડ કરવા માટેની તજવીજ શરૂ કરી છે. છેલ્લા સવા મહિનામાં શહેરના પૂર્વ વિસ્તારમાં અગિયાર હત્યાના બનાવ બન્યા છે. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં બે હત્યાના બનાવ બન્યા હતા.

You might also like