પારડી-ઓરવાડ હાઇવે બેફામ ટ્રકે બાઇકને ટક્કર મારતાં બે યુવાન એન્જિનિયરો મોતને ભેટ્યાં

અમદાવાદ: પારડી-ઓરવાડ હાઇવે પર ગોકુલ હોટલ નજીક બેફામ ઝડપે જઇ રહેલા એક ટ્રકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવાન એન્જિનિયરોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા.

મળતી માહિતી મુજબ આ અંગેની વિગત એવી છે કે, વાપી ખાતે આવેલી એક કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા વિમલ નાયકા (ઉ.વ.ર૩) અને કિશોર વાઘે (ઉ.વ.ર૧) આ બંને એન્જિનિયરો ગઇકાલે અમલસાર ખાતે આવેલી એક ફેકટરીમાં જનરેટરનું રિપેરિંગ કામ કરી વાપીથી બાઇક પર નીકળ્યા હતા.

આ બંને એન્જિનિયરો પારડી-ઓરવાડ હાઇવે પર ગોકુલ હોટલ નજીકના ક્રોસિંગ પાસેથી પસાર થતા હતા ત્યારે પાછળથી બેફામ ઝડપે આવેલા ટ્રકે બાઇકને અડફેટે લઇ જોરદાર ટક્કર મારતા બંનેને રોડ પર પટકાયા હતા. જેમાં ટ્રકના વ્હીલ બંને પર ફરી વળતા માથાનાં ભાગે ગંભીર ઇજા થતા બંનેના સ્થળ પર જ મોત થયા હતા. અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રકચાલકનો ટોળાએ પીછો કરી પકડી લઇ પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.

You might also like