બે વર્ષમાં બે હજાર ગાય ચોરી કતલખાને વેચી દીધી

અમદાવાદ: ગાયોની કતલને અટકાવવાના મામલે રાજ્ય સહિત દેશભરમાં ઝુંબેશ ચાલી રહી છે ત્યારે અમદાવાદમાં જ ગાયોની ચુપચાપ તસ્કરી કરીને વેચી દેનાર ગેંગના મુખ્ય સૂત્રધારને પોલીસે પકડી પાડ્યો છે, તેની પૂછપરછમાં બે વર્ષમાં તેણે તેના સાગરીતો સાથે મળીને બે હજાર ગાયોની ચોરી કરીને કતલખાને વેચી મારી હોવાનો ખુલાસો કરતાં પોલીસ પણ ચોંકી ઊઠી છે.

અમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તારમાંથી 8 ગાયો ચોરાઇ હોવાની ફરિયાદ જાન્યુઆરી મહિનામાં થઇ હતી. વટવા જીઆઇડીસી પોલીસે દાણીલીમડાના અલ્લાહનગરમાં રહેતા 23 વર્ષીય યાસીન ઉર્ફે ટીટી ઇબ્રાહીમ કુરેશીની ધરપકડ કરી હતી.

યાસીને તેના પાર્ટનર રફીક ઉર્ફે રકલો અને બીજા બે શખ્સ સાથે મળીને બે વર્ષ દરમ્યાન અમદાવાદ અને આસપાસના ગામડામાંથી બે હજાર ગાયો ચોરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. યાસીને સેશન્સ કોર્ટમાં જામીનઅરજી ફાઇલ કરી હતી. કોર્ટે પોલીસને નોટિસ ઇશ્યૂ કરીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો તો વટવા જીઆઇડીસી પોલીસે સેશન્સ કોર્ટમાં સમક્ષ એફિડેવિટ ફાઇલ કરી હતી, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યા હતો યાસીન ઉર્ફે ટીટીએ અમદાવાદ અને આસપાસના ગામડાઓમાંથી બે હજાર ગાયોની ચોરી કરીને કતલખાને વેચી મારી છે. આ કોઇ સામાન્ય ચોરીનો બનાવ નથી. ગાયોની ચોરી સીધી લોકોના ભાવનાઓ સાથે સંકળાયેલી છે.

કોર્ટે યાસીન ટીટીની જામીનઅરજી નામંજૂર કરી હતી. યાસીન, રફીક અને તેના બે સાગરીતો સૂમસામ વિસ્તારોમાં ફરતી એકલદોકલ ગાયોને નિશાન બનાવીને તેની ચોરી કરતા હતા. મોડી રાતે આ ગેંગ ગાયોની ચોરી કરતા હતા. સ્કો‌િર્પયો કે પછી અન્ય કોઈ વાહનમાં એકસાથે સાતથી અાઠ ગાયોને ભરીને કતલખાને વેચી મારતા હતા.

વટવા જીઆઇડીસીના પોલીસ ઇન્સ્પેક્ટર ઝેડ.એ. શેખે જણાવ્યુ હતું કે બે હજાર જેટલી ગાયો ચોરનાર યાસીન પાંચ જ મિનિટમાં તેના સાથીદારોની મદદથી ગાય ઉઠાવી જતો હતો. બજરંગ દળના પ્રમુખ જ્વલિત મહેતાએ અા અંગે જણાવ્યું છે કે જેમની ગાયો ચોરાય છે તે ગોપાલકો ફરિયાદ નથી કરતા, કારણ કે પોલીસમાં ફરિયાદ કરતાં ગભરાય છે. રોડ ઉપર ગાયો ફરતી હોય છે તેના કારણે પોલીસ પણ તેમને ખખડાવતી હોય છે. અા કારણે પણ તેઅો ફરિયાદ કરવાથી ડરે છે. ગોસેવા આયોગના ઉપાધ્યક્ષ ચૈતન્ય મહારાજે જણાવ્યું છે કે અમદાવાદમાં ગાયો ચોરાવાની ફરિયાદ પોલીસ લેતી જ નથી. આ સિવાય પોલીસ કસાઇઓને છાવરે છે અને તેથી લોકો જાણી જોઇને ફરિયાદ દાખલ નથી કરાવતા.

You might also like