બે વર્ષ પહેલાં મે માસમાં અાકાશમાંથી રીતસર અગનગોળા વરસ્યા હતા

અમદાવાદ: મે મહિનાની ભીષણ ગરમીના પ્રકોપથી અમદાવાદ સહિત રાજ્યભરના લોકો શેકાઇ રહ્યા છે. શહેરમાં ગઇ કાલે ગરમીનો પારો ૪૩.૩ ડિગ્રીએ જઇને અટકયો હતો. આગામી પાંચ દિવસ પણ ગરમીનું પ્રમાણ ૪૦ ડિગ્રીની આસપાસ રહેવાનું છે, પરંતુ મે મહિનાની કાળઝાળ ગરમીના છેલ્લા દસ વર્ષના આંકડા તપાસીએ તો ગત તા.ર૦ મે ર૦૧૬એ શહેરમાં ૪૮ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાતાં આકાશમાંથી જાણે કે અગનગોળા વરસ્યા હોય તેવો અનુભવ શહેરીજનોને થયો હતો.

ચાલુ ઉનાળામાં રાજ્યમાં કાળઝાળ ગરમી ફેલાતાં હવામાન વિભાગ દ્વારા જે તે દિવસના મહત્તમ તાપમાનના આધારે જે તે શહેર માટે એલર્ટ જાહેર કરાઇ રહ્યું છે. રાજકોટમાં ગઇ કાલે ગરમીનો પારો ૪પ ડિગ્રીને આંબી જતાં આગામી ર૪ કલાક માટે રાજકોટવાસીઓ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. મિની મુંબઇ તરીકે ઓળખાતા આ શહેરમાં લોકોએ કારણ વિના બહાર નીકળવું નહીં તેવી તંત્ર દ્વારા ખાસ ચેતવણી પણ અપાઇ છે.

જ્યારે અમદાવાદ માટે આગામી પાંચ દિવસ ૪૪ ડિગ્રીની આસપાસ ગરમીનું પ્રમાણ રહેવાથી તંત્રે ‘યલો ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે. આમ શહેરીજનો માટે આવતું સમગ્ર અઠવાડિયું ત્વચાને દઝાડે તેવી ગરમીનું રહેવાનું છે. જોકે હજુ સુધી બે વર્ષ અગાઉ મે મહિનામાં નોંધાયેલી ૪૮ ડિગ્રી ગરમી તો મે મહિનામાં પડેલી ગરમીનો ઓલટાઇમ રેકર્ડ હોવાનું સ્થાનિક હવામાન વિભાગની કચેરી જણાવે છે.

You might also like