સીડીની રેલિંગમાંથી પટકાતાં બે વર્ષની બાળકીનું મોત નીપજ્યું

અમદાવાદ: શહેરના બલોલનગર ચાર રસ્તા પાસે આવેલાં મુખ્યમંત્રી આવાસ યોજનાનાં મકાનોમાં ગઈ કાલે સાંજે બે વર્ષની બાળકી ત્રીજા માળે આવેલી સીડીની રેલિંગમાંથી રમતાં રમતાં નીચે પટકાતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક બાળકીનાં પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે આવાસ યોજનાનાં મકાનોમાં સીડીની રેલિંગ વચ્ચેના સળિયાની પહોળાઈ વધુ હોવાથી બાળકો રેલિંગમાંથી નીચે પટકાઇ શકે છે.

મળતી માહિતી મુજબ બલોલનગર ચાર રસ્તા પાસે આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનામાં ૧-૩૦પ નંબરના મકાનમાં લાખનસિંગ પ્રજાપતિ તેમની પત્ની અને ચાર વર્ષીય બાળકી ખુશી તથા બે વર્ષીય બાળકી કાવ્યા સાથે રહે છે. ગઈ કાલે સાંજે ૫-૩૦ની આસપાસ તેમના ઘરની બહાર સીડી પાસે બંને બહેનો રમતી હતી. રમતાં રમતાં સીડી પાસે બંને બહેનો પહોંચી હતી. દરમિયાનમાં કાવ્યા સીડી વચ્ચે આવેલી રેલિંગમાં ફસાઈ ગઈ હતી અને ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી. જોરદાર અવાજ થતાં બ્લોકના રહેવાસીઓ દોડી આવ્યા હતા અને બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

સ્થાનિક અને મૃતક બાળકીનાં પરિવારજનોનો આક્ષેપ છે કે રેલિંગ વચ્ચેની જગ્યા વધુ છે, જેના કારણે બાળકો રમતાં રમતાં નીચે પડી શકે છે. આ બાબતે સરકાર દ્વારા કોઈ ધ્યાન અપાયું નથી, જેથી આવો બનાવ બન્યો છે. વાડજ પોલીસે જણાવ્યું હતું કે આ બાબતે માત્ર નોંધ કરવામાં આવી છે. હજુ સુધી કોઈ અકસ્માત મોત દાખલ કરવામાં આવ્યું નથી.

http://sambhaavnews.com/

You might also like