હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવનારને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ નહીં મળી શકે

લખનૌ: હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવનાર લોકોને હવે પેટ્રોલ ભરાવવામાં પરેશાની થશે. આવા લોકોને પેટ્રોલ લેવા માટે પેટ્રોલ પંપ પરથી જ હેલ્મેટ ખરીદવી પડશે. ટ્રાફિક પોલીસના આ અભિયાનમાં ૧ર૩ પેટ્રોલ પંપ સામેલ કરાયા છે જે હેલ્મેટ વગર પેટ્રોલ નહીં આપે. હેલ્મેટ ન પહેરનારા વિરુદ્ધ ટ્રાફિક પોલીસના આ અભિયાનની અસર દેખાવા લાગી છે.

પોલીસના સર્વે મુજબ અભિયાનના ૧૩ દિવસ બાદ ૬પ ટકા લોકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કરી દીધું છે. માર્ગ અકસ્માતોથી થતાં મૃત્યુ રોકવા માટે ડીજીપી ઓ.પી.સિંહે એક જૂનથી ‘માથું સલામત બધું સલામત’ અભિયાન શરૂ કરાવ્યું છે. આ અભિયાનની જવાબદારી આઇજી રેન્જ સુજિત પાંડેને સોંપાઇ છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી હેલ્મેટ ન પહેરવા પર રર,૦૦૦ લોકોને દંડ કરાયો છે. ૧૭ લાખ રૂપિયા દંડ તરીકે વસૂલાયા છે.

તેની અસર એ થઇ કે ૬પ ટકા લોકો હેલ્મેટ પહેરવા લાગ્યા. આજથી ૧ર૩ પેટ્રોલ પંપ પર આ અભિયાન શરૂ કરાયું છે. જેમાં હેલ્મેટ ન પહેરનાર લોકોને પેટ્રોલ આપવામાં નહીં આવે. આ પેટ્રોલ પંપો પર હેલ્મેટ ઉપલબ્ધ હશે અને કાર્યવાહી માટે પોલીસ પણ હાજર હશે. હેલ્મેટ ખરીદીને તાત્કાલિક પહેરનારા લોકોને દંડમાં રાહત મળશે.

ઇ-મેમોથી તૈયાર થશે ડેટા બેન્ક
૧પ જુલાઇથી રાજધાનીમાં માત્ર ઇ-મેમો આપવામાં આવશે. આ અભિયાન માટે પોલીસ કર્મચારીઓને સ્માર્ટ ફોન અપાયા છે. હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવનારા લોકોનો ડેટા સ્ટોર થતો રહેશે. બીજી વાર હેલ્મેટ વગર પકડાતાં દંડની રકમ બે ગણી થશે. ત્રીજી વાર પકડાશે તો ડ્રાઇવિંગ લાઇસન્સ જપ્ત થશે.

You might also like