રાજાનાં બે સ્વરૂપઃ માખણથી કોમળ અને વજ્રથી કઠોર

રાજાએ પ્રજા સાથે માખણના જેવું કોમળ રહેવું જોઈએ અને ગુનેગાર સાથે વજ્રથી કઠોર બનવું જોઈએ. જે દંડવા લાયક ન હોય એટલે કે રાજા પાસે ન્યાય માગતો હોય એને દંડ આપે અને દંડવા લાયક ચોર, માફિયા, આતંકવાદી અને ગુંડાઓને દંડ ન આપે એટલે કે જેલમાંથી મુક્ત કરાય. આતંકવાદીને જેલમાં રાખી તેનું પોષણ કરાય, કાં તો ગુનેગારો આપોઆપ છૂટીને ચાલ્યા જાય અથવા તો તેના મિત્રો લેવા આવે એને સમર્પણ કરાય. તેમને પકડવાનો અને જેલમાંથી તેની સુરક્ષાનો જંગી ખર્ચ વેઠીને પાછા સમર્પિત કરાતા હોય. જે આખા દેશને નષ્ટ કરવાના દુુઆશયથી આવેલા હોય એ તો વધને લાયક ગણાય છે. આવા ગુનેગારો જે રાજાની જેલમાં છૂટી જતા હોય તો રાજા અપકીર્તિ પામે છે અને મરીને નરક યાતના ભોગવે છે. અદંડયને દંડવા યોગ્યનું પાલન પોષણ કરે એ રાજા શાસન કરવા લાયક નથી.
રાજનીતિ અને પ્રધાનોની નીતિમાં કંઈ ફેરફાર હોય એવું જણાય છે. પ્રધાનોને રાજનીતિ લાગુ ન પડે એથી પ્રધાનો માટે કંઈ અનુબંધ હોય જ નહીં. પ્રધાનો તો પોતાના પ્રતિસ્પર્ધીને જીતીને ચૂંટણીમાં વિજય મેળવે એને જ વિજય માનતા હોય છે. ચૂંટણી જ એમનું સર્વસ્વ હોય છે. દુશ્મન રાજ્યો સાથે મંત્રણા કરીને તેને મિત્ર બનાવવાના પ્રયાસમાં હોય છે. એક ગાલે થપાટ મારે તો બીજો ગાલ ઘરે એવા ક્ષમાશીલ ભારતના જેવા પ્રધાનો વિશ્વના કોઈ દેશોમાં નહીં હોય. ગમે તે ભોગે ચૂંટણીમાં વિજય મેળવવો એ જ વીરતા છે., એ જ ખરી કર્તવ્યનિષ્ઠા છે.
આપણા પ્રધાનો પાસે એક મૌલિક સૂઝ છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ. આ સૂત્ર ભારતના પ્રધાનો પાસે જ છે. એથી થોડી બાકી રહેલી ભારત ભૂમિ ગૌરવવંતી છે. આપણા પ્રધાનોની દયા, ઔદાર્ય અને ક્ષમા અનુપમ છે. તેઓ એક સંત જ છે. તેઓશ્રી મંત્રણા અને મંત્રજાપ ચાલુ રાખે તો દુશ્મનોના હૃદય નિર્મળ બનાવી શકે એવો મન આત્મવિશ્વાસ છે. મંત્રણા પડી ભાંગે તો ફરી કરો.
ભૂંડા સાથે ભૂંડા થવામાં આપણી આબરુને ધક્કો લાગે છે. મંત્રણા અને મંત્રજાપમાં મહાશક્તિ છે તે દુશ્મનોના હૃદયને જરૂર દયાળુ બનાવશે. આમ દેશના રાજા એવા જોઈએ કે જે પ્રજા સાથે માખણ જેવો વ્યવહાર કરે દુશ્મન સામે વજ્રથી પ્રહાર કરે. આમ માણસે માણસ સાથે મિત્રતાનો વ્યવહાર રાખવો જોઇએ. કોઇની સાથે દુશ્મની કરવી જોઇએ નહીં. દુશ્મની રાખવાથી મનમાં સંકુચિતતા આવી જાય છે. આપણી આબરુનું ધોવાણ ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઇએ.

You might also like