ધોલેરા નજીક બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ બે ડ્રાઇવર અને ક્લિનરનાં મોત

અમદાવાદ: અમદાવાદ-ભાવનગર હાઇવે પર ધોલેરા નજીક બાવળિયાળી વહેલી સવારે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં બે ડ્રાઇવર સહિત ત્રણનાં ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ-ભાવનગર હાઇવે પર ધોલેરા નજીક બાવળિયાળી ગામ પાસે આજે વહેલી સવારે ૬-૦૦ વાગ્યે પસાર થઇ રહેલી ટ્રક સાથે સામેથી પૂરઝડપે આવી રહેલી અન્ય એક ટ્રક જોરદાર ધડાકા સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને ટ્રકના ડ્રાઇવર અને કલીનરના ગંભીર ઇજાઓ થવાથી ઘટનાસ્થળે જ મોત થયા હતા.

આ અકસ્માતની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ ત્રણેય લાશને પીએમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. બંને ટ્રકો રોડ પર પડી હોવાના કારણે બંને તરફનો ટ્રાફિક ખોરવાઇ ગયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. વહેલી સવારે જ ઘટના બની હોવાથી મૃતકના નામ-સરનામું કે અન્ય કોઇ વિગત જાણવા મળી નથી. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like