બે ખાનગી બસ પલટી ખાઈ જતાં પાંચનાં મોતઃ રરને ઈજા

અમદાવાદ: કચ્છ-નખત્રાણા અને પાલનપુર હાઇવે પર બે ખાનગી બસ પલટી ખાઇ જતાં પાંચ મુસાફરોનાં મોત થયા હતા, જ્યારે રર મુસાફરોને ઇજા પહોંચતાં તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ અંગે સઘન કાર્યવાહી શરૂ કરી છે.

કચ્છના નખત્રાણા રોડ પર ગત રાત્રે પુઅરેશ્વર નજીક મુસાફરોથી ખીચોખીચ ભરેલી ખાનગી બસનું ટાયર ફાટતાં બસ ચાર-પાંચ પલટી મારી જતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભૂજ-નખત્રાણા વચ્ચે ચાલતી દેવીકૃપા ટ્રાવેલ્સની બસ રાત્રે ભૂજથી રવાના થયા બાદ આ ઘટના બની હતી.

અકસ્માતમાં બસમાં પ્રવાસ કરી રહેલ બે મુસાફર અને ક્લીનરનાં મોત થયા હતા. જ્યારે રર જેટલા મુસાફરોને ઇજાઓ પહોંચતાં તમામને ભૂજની જી.કે. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માત સર્જાતાં બસમાં મુસાફરી કરી રહેલ મુસાફરોની ચિચિયારીઓથી વાતાવરણ ગમગીન બની ગયું હતું અને આજુબાજુુના ગામના લોકો રોડ પર દોડી આવ્યા હતા. રોડ પર લોકોની ભીડ અને વાહનોની કતારો જામી જતાં ટ્રાફિક વ્યવસ્થા કલાકો સુધી ખોરવાઇ ગઇ હતી. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરી છે.

આ ઉપરાંત પાલનપુર રોડ પર ચિત્રાસણી ગામ પાસેથી ગઇ મોડી રાત્રે પસાર થઇ રહેલી રાજસ્થાનની એક ખાનગી બસ પલટી ખાઇ જતાં બે મુસાફરોનાં મોત થયા હોવાનું અને છ જેટલા મુસાફરોને ઇજા થઇ હોવાનું જાણવા મળે છે. આ બસ અમદાવાદ તરફ આવી રહી હતી.

જ્યારે વલસાડ નજીક ધરમપુર ચોકડી પાસેથી પસાર થઇ રહેલ એક કારને પાછળથી પુરઝડપે આવી રહેલા કોઇ વાહને અડફેટે લઇ ટક્કર મારતાં કારમાં બેઠેલ સુરતના રાઠોડ પરિવારની ૧૦ વ્યકિતઓને ગંભીર ઇજા પહોંચી હતી. આ પરિવારના સભ્યો શિરડી દર્શને જઇ રહ્યા હોવાનું જાણવા મળે છે.

You might also like