બે હજાર રૂપિયામાં ગાંજાની ખેપ મારતું દંપતી પકડાયું

અમદાવાદ: શહેરના ગોમતીપુર વિસ્તારમાં નશાનો કારોબાર ચલાવતા ડ્રગ્સ ડીલરના ઇશારે બરોડા એક્સપ્રેસ હાઇવે પર ગાંજાની ખેપ મારતા દંપતીને પોલીસે ઝડપી લીધું હતું. પોલીસ પૂછપરછમાં દંપતી સુરતથી ગાંજો લાવ્યાં હોવાની કબૂલાત કરી છે.

ગોમતીપુર વિસ્તારમાં આવેલા ચારતોડા કબ્રસ્તાનના છાપરામાં રહેતી શાહજહાં ઉર્ફે ગુડ્ડી શેખ અને તેનો પતિ મોહંમદ સોહિલ શેખ ગાંજાની ખેપ મારતાં હોવાની બાતમી રામોલ પોલીસને મળી હતી. બાતમીના આધારે બરોડા એક્સપ્રેસ હાઇવે પર પોલીસે વોચ ગોઠવતાં મોડી રાતે પતિ-પત્ની બેગમાં 6 કિલો ગાંજો લઇને આવ્યાં હતાં, જ્યાં પોલીસે તેમની ધરપકડ કરી હતી. રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પરેશ સોલંકીએ જણાવ્યું છે કે શાહજહાં અને સોહિલ ચારતોડા કબ્રસ્તાન પાસે રહેતા અને નશાનો વ્યાપાર કરતા મોહંમદ ઇમરાન મોહંમદ ઉસ્માન શેખના ઇશારે ગાંજો લાવ્યાં હોવાની કબૂલાત કરી છે.

મોહંમદ ઇમરાને તેમને 30 હજાર રૂપિયા આપ્યા હતા અને સુરતથી ગાંજો લાવવાનું કહ્યું હતું. સુરતથી ગાંજો લઇને પરત આવી રહ્યાં હતાં તે સમયે પોલીસે તેમને પકડી લીધાં છે. બન્ને જણાએ કબૂલાત કરી છે કે મોહંમદ ઇમરાન ગાંજો લઇને આવવાની એક ટ્રીપના બે હજાર રૂપિયા આપતો હતો. છેલ્લા એકાદ-બે મહિનામાં તેઓ 15 કરતાં વધુ વખત સુરતથી ગાંજો લઇને આવ્યાં છે. મોડી રાતે પોલીસે મોહંમદ ઇમરાનના મકાન પર દરોડા પાડ્યા હતા, જ્યાં તેની અટકાયત પણ કરવામાં આવી છે. રામોલ પોલીસે પતિ-પત્ની અને નશાનો વ્યાપાર કરતા ઇમરાન વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like