બાંદીપુરા: અથડામણમાં એક જવાન શહીદઃ બે ત્રાસવાદી ઠાર

જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં આજે સવારે બે વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણમાં એક ભારતીય જવાન શહીદ થયો છે, જ્યારે સેનાના ફાયરિંગમાં બે આતંકી ઠાર થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં પણ સોપારા અને બાંદીપુરા જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે સામસામે ફાયરિંગ ચાલુ છે.

દરમિયાન ગઈ કાલે મોડી સાંજે હંદવાડામાં એક પોલીસમથક પર આતંકીઓએ હુમલો કર્યો હતો. હંદવાડાના ક્રલગુંગ વિસ્તારમાં પોલીસમથક પાસે ફાયરિંગ કરીને આતંકીઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકીઓની શોધખોળ શરૂ કરી હતી. બુધવારે ભારતીય સેનાએ પાકિસ્તાન સામે કરેલી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના એક અધિકારી સહિત બે જવાન માર્યા ગયા હતા.

ગુપ્તચર વિભાગના અહેવાલ મુજબ પાકિસ્તાને ભારત સામે બદલો લેવાની ભાવનાથી હજુ પણ મોટા હુમલા કરવાની તૈયારી કરી હોવાનું જાણવા મળે છે. અને તેને ધ્યાનમાં લઈને સરહદ અને જમ્મુ-કાશ્મીર સહિત ભારતના અન્ય શહેરોમાં હુમલો થવાની દહેશત ગુપ્તચર વિભાગે વ્યકત કરી છે. તેથી સુરક્ષા દળોને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યો છે.

ગઈ કાલે રાતે બાંદીપુરા વિસ્તારમાં બે આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. એવું જાણવા મળે છે કે આતંકીઓ અંતરિયાળ વિસ્તારમાં છુપાઈ ગયા હતા. તેથી સુરક્ષાદળોએ આ સમગ્ર વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને સીઆરપીએફ અને પોલીસના જવાનોએ પણ આતંકીઓનો સામનો કર્યો હતો.

You might also like