જમ્મુ-કાશ્મીરમાં હિઝબુલ કમાન્ડર યાસિન સહિત બે આતંકવાદી ઠાર

નવી દિલ્હી: ભારતીય સેનાએ બુરહાન વાનીનાં મૃત્યુ બાદ તેની જગ્યા લેનારા હિઝબુલ મુઝાહિદ્દીનના ટોપ કમાન્ડર યાસિન યાતુ ઉર્ફે મહમૂદ ગઝનવીને ઠાર માર્યો છે. યાસિન સેના-સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા ચલાવાયેલા જોઈન્ટ ઓપરેશનમાં સાઉથ કાશ્મીરના શોપિયાના અવનીરા ગામમાં માર્યો ગયો હતો. યાસિન ઉપરાંત તેના બે અન્ય આતંકી સાથીઓ ઉમર મજિદ અને શેખ ઈરફાન ઉલ હકને પણ ઠાર મરાયા છે.

૧૫ કલાક સુધી ચાલેલા આ ઓપરેશનમાં બે જવાન પણ શહીદ થયા હતા. બે જવાનોની ઓળખ મહારાષ્ટ્રમાં રહેનારા સુમેદ વામન અને તામિલનાડુના રહેવાસી ઈલ્યારાજા પી.ના રૂપમાં થઈ છે. કાશ્મીરના આઈડી મુનિરખાને જણાવ્યું કે હિઝબુલ મુજાહિદ્દીનના ટોપ કમાન્ડરને ઠાર મારવો એક મોટી સફળતા છે. યાસિન અત્યાર સુધી સૌથી સક્રિય કમાન્ડર હતો. તેની પર તે મોસ્ટ વોન્ટેડ ૧૨ આતંકીના લિસ્ટમાં સામેલ હતો. તેની ઉપર ૧૫ લાખનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું.

અભિયાન પૂરું પાડીને પરત ફરી રહેલા સુરક્ષા દળો પર આતંકવાદીઓએ ફાયરિંગ પણ કર્યું તેમાં એક સ્થાનિક યુવક ગોળી વાગતાં જખમી પણ થયો. આતંકવાદીઓ ભીડભાડના કારણે ભાગવામાં સફળ રહ્યા હતા. શોપિયાના અવનીરા ગામમાં અસ્તાન મહોલ્લામાં એક ડઝન કરતાં પણ વધુ લશ્કર તેમજ હિઝ્બના આતંકવાદીઓ છુપાયા હોવાની સૂચના પર શનિવારે સુરક્ષા દળોએ તલાશી અભિયાન ચલાવ્યું હતું. ઘેરાબંધી થતાં કેટલાક આતંકીઓ ભાગી નીકળ્યા, પરંતુ પાંચ આતંકી ફસાઈ ગયા. સાંજે ૫.૩૦ શરૂ થયેલી અથડામણ સવારે ૧૧.૩૦ વાગ્યા સુધી ચાલી હતી.

You might also like