કાશ્મીરના પુલવામામાં લશ્કરે બે અાતંકવાદીઓને ઠાર માર્યા

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આજે વહેલી પરોઢિયે સુરક્ષાદળોએ એક અથડામણમાં બે ત્રાસવાદીઓને ઠાર માર્યા હતા. આજે સવારે પ-૦૦ વાગ્યે ત્રાસવાદીઓએ ભાગવાની કોશિશ કરતાં સુરક્ષાદળોએ ફાયરિંગ કર્યું હતું, જેમાં બે ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા બે ત્રાસવાદીઓમાં એક ત્રાસવાદી લશ્કર-એ-તોઇબાનો હોવાનું બહાર આવ્યું છે, જે સરહદ ઓળંગીને કાશ્મીરમાં ઘૂસી આવ્યો હતો.

સુરક્ષાદળો અને ત્રાસવાદીઓ વચ્ચે બુધવાર સાંજથી સામસામા ગોળીબાર ચાલુ હતા. લશ્કરે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. સુરક્ષાદળોને પુલવામા જિલ્લાના ગુસુ ગામમાં ત્રાસવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતાં સુરક્ષાદળોએ સમગ્ર ગામને ઘેરી લીધું હતું અને ત્રાસવાદીઓની શોધખોળ શરૂ કરી દીધી હતી.

ત્યાર બાદ રાત્રે ગામમાં છુપાયેલા ત્રાસવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધા હતા અને તેના જવાબમાં સુરક્ષાદળોએ ગોળીબાર કરતાં ભારે અથડામણ થઇ હતી.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સુરક્ષાદળોને એવી શંકા હતી કે ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો ટોચનો કમાન્ડર બુરહાન પણ આ ગામમાં છુપાયેલો છે. અહેવાલો અનુસાર બુરહાન સ્થાનિક ત્રાસવાદી છે. જે ત્યાં હોવાની શંકા હતી. જોકે એક ત્રાસવાદીની ઓળખ મંજૂર અહેમદ તરીકે થઇ છે. જે સ્થાનિક હોવાનું જણાવાય છે. બીજા એક પાકિસ્તાની ત્રાસવાદીની ઓળખ થઇ નથી.
ગુપ્તચર સંસ્થાઓએ તાજેતરમાં દેશભરમાં નવા વર્ષના પ્રસંગે ત્રાસવાદી હુમલાને લઇને એલર્ટ જારી કરી હતી. લશ્કર-એ-તોઇબાના ર૦ જેટલા ત્રાસવાદીઓ ભારતીય સરહદમાં ઘૂસી આવ્યા છે અને તેમના નિશાન પર નરેન્દ્ર મોદી અને સંસદ ભવન હોવાનું જણાવાય છે. એલર્ટ બાદ દેશના અનેક રાજ્યમાં સજ્જડ સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

કિશ્તવાર જિલ્લાના પાડર તાલુકામાંથી શસ્ત્રોનો જંગી જથ્થો મળી અાવ્યો
કિશ્તવાર જિલ્લાના પાડર તાલુકામાં ત્રાસવાદીઓનો અડ્ડો હોવાની જાણ થતાં સુરક્ષાદળોએ દરોડાની કાર્યવાહી કરતાં મોટી સંખ્યામાં શસ્ત્રો અને દારૂગોળો હાથ લાગ્યો હતો. સંરક્ષણ મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું હતું કે ઝડપાયેલાં શસ્ત્રોમાં એકે-પ૬ રાઇફલ સાથે ચાર કારતૂસ, ૬ર એમએમની એક એસએલઆર અને કે-૧પ૦ કારતૂસ મળ્યા છે. આ ઉપરાંત ચાઇનીઝ બનાવટના ૧ર ગ્રેનેડ, આઠ યુબીજીએલ ગ્રેનેડ, બે વાયરલેસ અને એક દૂરબીન મળ્યું હતું.

You might also like