સાવલી નજીક કેનાલમાં નાહવા પડેલા બે કિશોરનાં ડૂબતાં મોત

અમદાવાદ: વડોદરાના સાવલી નજીકના કૂનપાડ ગામે કેનાલમાં ડૂબી જવાથી બે સગીરોનાં કરુણ મોત નીપજ્યાં છે. બંને સગીર બપોરે કેનાલમાં નાહવા પડ્યા હતા. ફાયરની ટીમે બંનેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડતાં તેઓને મૃત જાહેર કરાયા હતા.

મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના સાવલી નજીક આવેલા કૂનપાડ ગામથી નર્મદાની કેનાલ નીકળે છે. ગામમાં રહેતા અને ધોરણ-૬માં ભણતા ભાવેશ ચૌહાણ અને ધર્મેશ ચૌહાણ નામના કિશોરો કેનાલમાં નહાવા પડ્યા હતા. કેનાલમાં પાણીના પ્રવાહના કારણે બંને કિશોરો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

ઘટનાની જાણ લોકોને થતાં તેઓએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યાં હતાં. બંને યુવકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

બંને યુવકોને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. બે કિશોરનાં મોત થતાં કૂનપાડ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે અકસ્માત મોત નોંધી લાશને પીએમ માટે મોકલી આપી હતી.

You might also like