વિધવાને લૂંટી બળાત્કાર ગુજારનાર બે હોમગાર્ડ જવાનની ધરપકડ

અમદાવાદ: થરાદના બસસ્ટેન્ડ પરથી એક વિધવા મહિલાને ઉઠાવી જઈ તેના ઘરેણા લૂટી બળાત્કાર ગુજારનાર હોમગાર્ડના બે જવાનોને પોલીસે ઝડપી લઈ અાગળની તપાસ હાથ ધરી છે.
અા અંગેની વિગત એવી છે કે ડિસાથી ૪૦ વર્ષની એક મહિલા તેની દિકરીને મળવા રાજસ્થાન જવા નીકળી હતી. ડિસા બસસ્ટેન્ડથી સાચોર રાજસ્થાનની બસ ન મળતાં અા મહિલા ડિસાથી થરાદ અાવી હતી. થરાદ બસસ્ટેન્ડ પર રાત્રીના સમયે અા મહિલા બસની રાહ જોઈ બેઠી હતી ત્યારે એક હોમગાર્ડનો જવાન બાઈક લઈને ત્યાં અાવ્યો હતો અને મહિલાની પુછપરછ કરી ચાલો પોલીસ સ્ટેશન અાવું પડશે તેવું કહી ઉઠાવી ગયો હતો.

દરમિયાનમાં અન્ય એક હોમગાર્ડનો જવાન તેની સાથે જોડાયો હતો. અા મહિલાને બંને હોમગાર્ડના જવાનો કોઈ અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા અને મહિલાના સોનાના ઘરેણા અને રોકડ રકમ સહિત રૂ. ૨૦ હજારની મતાની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ અા મહિલાને પેટ્રોલપંપ નજીક લઈ જઈ બંને જણાએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. અા પછી બંને હોમગાર્ડના જવાનો નાસી છૂટ્યા હતા.

પોલીસે અા અંગે ત્વરિત તપાસ હાથ ધરી ગુનામાં સંડોવાયેલા હોમગાર્ડના જવાનો પીરા ભીખાભાઈ પંડ્યા અને રમેશ પાંચાભાઈ રાઠોડ બંને રહે. શિવનગર, થરાદને ઝડપી લઈ બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે.

You might also like