ગોમતીપુરમાં અંગત અદાવતમાં બે રાઉન્ડ ફાયરિંગઃ યુવાનને ઈજા

અમદાવાદ: શહેરના ગોમતીપુર વિસ્તારમાં મારામારી, હત્યાની કોશિશ જેવી ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઇ કાલે મોડી રાતે જૂની અદાવતને ધ્યાનમાં રાખીને બે યુવકોએ એક યુવક પર એક રાઉન્ડ ફાયરીંગ કરીને મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

મોડી રાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ગોમતીપુર પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે વી.એસ.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે બે આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર બે રાઉન્ડ ફાયરીંગ થયું છે જ્યારે પોલીસ એક રાઉન્ડ ફાયરીંગ થયંુ હોય તેવું કહી રહી છે.

ગોમતીપુર વિસ્તારમાં આવેલ નૂરભાઇ ધોબીની ચાલીમાં રહેતા મહંમદ સબીર ઉર્ફે રીઝવાન અંસારીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બે શખ્સ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ગોમતીપુર વિસ્તાર જાણે કે અસામાજિક તત્ત્વોનો અડ્ડો બન્યો હોય તેમ છાશવારે ગુનાઇત પ્રવૃત્તિઓ સામે આવી રહી છે ત્યારે રાત્રી ૧ર.૩૦ની આસપાસ નૂરભાઈ ધોબીની ચાલી પાસે ર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગની કરવામાં આવ્યુ હતું, જેમાં એક યુવકના કાનના ભાગે ગોળી વાગતાં વીએસ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયો છે.

નૂરભાઇ ધોબીની ચાલીમાં રહેતો ૩પ વર્ષીય મહંમદ મહેફુઝ ફતેહમહંમદ મનસૂરી તેના મિત્ર સાથે ચાની લારી પર ચા પી રહ્યા હતા તે સમયે નૂરભાઇની ચાલીમાં રહેતો સમીર ઉર્ફે સબ્બીર અલી શેખ અને ગોમતીપુરમાં રહેતો ભૂલનવાઝ સા‌િજદ અખ્તર બાઇક પર આવ્યા હતા અને મહેફુઝ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

બન્ને શખ્સોએ મોઢા પર રૂમાલ બાંધ્યો હોવાથી તેમની ઓળખ થઇ શકી નહીં. મહેફુઝના કાન પર વાગતાં તેને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ફાયરીંગની વાત સામે આવતાં જોઇન્ટ કમિશનર અશોક યાદવ સહિત ડીસીપી, એસીપી અને પીઆઇ સી.બી.ટંડેલ સહિત ગોમતીપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી ગયો હતો.

પ્રાથ‌િમક તપાસમાં પોલીસે અલગ અલગ ‌િદશામાં તપાસ શરૂ કરી હતી અને શંકમદ તરીકે સા‌િજદ, સમીર અને વિકીનાં નામ સામે આવ્યાં હતાં. પરિવારજનોએ પણ આ ત્રણનાં નામ આપ્યાં હતાં. દરમિયાનમાં ખાનગી સૂત્રો દ્રારા પોલીસને જાણવા મળ્યું હતું કે મહેફુઝ પર ફાયરીંગ સમીર ઉર્ફે લખોટો સબ્બીર અલી શેખ અને ભુલનવાઝ સા‌િજદ અખ્તરે કર્યું છે.

પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ અને હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. સમીર ધોબીની ચાલીમાં રહે છે અને મહેફુઝ સાથે થોડાક સમય પહેલાં કોઈ કારણસર બબાલ થઇ હતી. સમીરે બબાલનો બદલો લેવા માટે મહેફુઝની હત્યા કરવા માટેનો પ્લાન ઘડ્યો હતો. પોલીસના જણવ્યા અનુસાર એક રાઉન્ડ ફાયરીંગ થયું છે ત્યારે સ્થાનિકોના જણાવ્યા અનુસાર બે રાઉન્ડ ફાયરીંગ થયું છે.

પોઇન્ટ બ્લેન્ક રેન્જથી થયેલા આ ફાયરીંગમાં મહેફુઝના કાન પર ગોળી વાગી હતી. મહેફુઝ પર ફાયરીંગ કરીને બન્ને શખ્સો બાઇક લઇને નાસી ગયા હતા. હાલ ગોમતીપુર પોલીસે બન્ને શખ્સો વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે ત્યારે બીજી તરફ પોલીસે એફએસએલની મદદ પણ લીધી છે.

મોડી રાતે એફએસએલની ટીમે ઘટનાસ્થળની તપાસ કરી હતી. મોડી રાતે થયેલા ફાયરીંગની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી જ્યારે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી હતી. હાલ તો જૂની અદાવતમાં ફાયરીંગ થયું હોવાનું સામે આવ્યું છે, પરંતુ સાચું કારણ આરોપીઓની ધરપકડ બાદ જાણી શકાશે.

ઉલ્લેખનીય છે કે પોલીસ કમિશનર કચેરીની પાછળ થોડા દિવસ પહેલાં જમીનના મામલે પાંચ શખસોએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં એકનું મોત પણ થયું હતું.

You might also like