કેનેડામાં બે યાત્રી વિમાન ટકરાયાંઃ ૧૬૮ મુસાફરનો આબાદ બચાવ

વોશિંગ્ટન: ટોરેન્ટો પિયરસન એરપોર્ટ પર બે વિમાન સામસામે અથડાતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. ‍િવમાનના પંખામાં આગ લાગતાં વિમાનમાં બેઠેલા ૧૬૮ લોકો અને છ ક્રૂ મેમ્બર હતા, જેઓ ગભરાઈ ગયા હતા, પરંતુ પાઈલટની માહિતીથી ક્રૂ મેમ્બરે તમામ મુસાફરોને વિમાનમાં જ બેસી રહેવા સૂચના આપતાં તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

આ ઘટનામાં સનવિંગ એરલાઈન્સના વિમાનને ખેંચવામાં આવતું હતું ત્યારે તેની પાંખ વેસ્ટ વેજ એરલાઈન્સના પ્લેન સાથે અથડાતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ વિમાનમાં ૧૬૮ યાત્રિકો અને છ ક્રૂ મેમ્બર હતા, જોકે આ ઘટના બાદ યાત્રિકો ગભરાઈને બહાર ભાગવા લાગ્યા હતા ત્યારે ક્રૂ મેમ્બરોએ તેમને ગભરાયા વિના શાંતિથી બેસી રહેવા જણાવ્યું હતું. પાઇલટે આગને કાબૂમાં લીધા બાદ આ ઘટનામાં તમામ યાત્રિકોનો બચાવ થયો હતો.

દરમિયાન વેસ્ટ જેટના પેસેન્જર ગસતાવો લોબોએ જણાવ્યું કે બંને પ્લેન અથડાતાં તેનો અવાજ અંદર સુધી આવ્યો હતો. બંને વિમાન વચ્ચેની ટક્કર સામાન્ય હોવાના કારણે વિમાનને વધુ નુકસાન થયું ન હતું અને આ દરમિયાન વિમાનમાં બેઠેલા તમામ મુસાફરોને તેમની સુરક્ષાપેટી બાંધી લેવા સૂચના આપવામાં આવી હતી અને થોડી વારમાં વિમાનના પંખામાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ હતી, જેના કારણે કોઈ વધુ જાનહાનિ કે ગંભીર દુર્ઘટના ન સર્જાતાં વિમાનમાં બેઠેલા તમામ મુસાફરોનો બચાવ થયો હતો. આ ઘટના અંગે કેટલાક યાત્રિકોએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો હતો, જેના કારણે અનેક લોકોએ આ ઘટના નિહાળી હતી.

You might also like