બે વ્યકિતનાં માનસિક બંધારણ અને વ્યકિતત્વ એક સરખાં હોતાં નથી

આપણા સમાજમાં કોઇ પણ બે વ્યકિતના માનસિક બંધારણ અને વ્યકિતત્વ કયારેય એક સરખાં હોતાં નથી. એક જ કુટુંબમાં પેદા થયેલાં બે સંતાનો વચ્ચે પણ આસમાન જમીનનો તફાવત જોવા મળતો હોય છે. એક વ્યકિત હકારાત્મક અભિગમ ધરાવતી હોય છે તો બીજી તદ્દન નકારાત્મક. એક મનમાં ઇચ્છા કરે તેવા સુખનો સ્વામી બને છે અને બીજાને ત્યાં દુઃખનો કાયમી ધામો હોય છે. એકને શરીર અને મનની તંદુરસ્તીનું વરદાન હોય છે તો બીજાને કાયમ રોગોની પીડા જ ભોગવવાની હોય છે.
આવું જોઇએ ત્યારે આપણે સામાન્ય રીતે બંનેના ભાગ્યને કે પ્રારબ્ધને એમની પરિસ્થિતિની ભિન્નતા માટે જવાબદાર ગણી કાઢીએ છીએ. જેનો આપણને જવાબ ન મળે તેને માટે ભાગ્ય કે કર્મને કારણભૂત માની લેવાની આપણી સહજ મનોવૃત્તિ રહે છે. અનેક લોકો એવા હોય છે કે જેમને કાયમ કોઇને કોઇ માંદગીની તકલીફ રહ્યા જ કરતી હોય છે. ડોકટરો અને દવાઓના ફેરા મારવાનું એમના ભાગ્યમાંથી છૂટતું જ નથી. જાણે કે કાયમ માંદા રહેવા માટે જ એમણે જન્મ લીધેલો હોય એમ લાગે છે.
સંસારમાં આપણે આપણા મનથી ઇચ્છા કરીએ તેવી પરિસ્થિતિ આપણને મળતી હોય છે. સુખ અને નીરોગીતા કે દુઃખ અને માંદગી આપણી પસંદગીથી આપણને મળતી હોય છે. અલબત્ત આ પસંદગી આપણે જાણીબૂઝીને નહીં પણ અજ્ઞાતપણે કરતા હોઇએ છીએ. દુર્ભાગ્ય વાસ્તવમાં દુર્ભાગ્ય હોતું નથી પણ આપણું જ સર્જન હોય છે. આપણાં વર્તમાન દુઃખો અને રોગોનું કારણ આપણી અગાઉનાં જ નકારાત્મક દૃષ્ટિકોણમાં રહેલું હોય છે. જોકે ભૂતકાળને આપણે બદલી શકતા નથી પણ માણસ ધારે તો એના વર્તમાન વિચાર પ્રવાહને અને લાગણીઓને બદલી શકે છે અને સુખી અને તંદુરસ્ત આવતી કાલનું નિર્માણ કરી શકે છે. ભવિષ્યના સુખાકારી અને નિરોગીતા વ્યકિત પોતાની પસંદગીથી પ્રાપ્ત કરતી હોય છે. આમ કરતાં પહેલાં આપણે જ જાણે-અજાણ્યે શી રીતે આપણા પોતાના માટે દુઃખ અને બીમારીની સ્થિતિ પેદા કરતા હોઇએ છીએ તે જાણવું જરૂરી છે.
માણસ મોટા ભાગના કિસ્સાઓમાં તેના માનસિક બંધારણમાં જે વિષમતા ધરાવતો હોય છે તે જ તેના દુઃખો અને રોગો માટે જવાબદાર બને છે. આનો દોષ કોઇના માથે ઓઢવાની વૃત્તિ બરાબર નથી. આપણે આપણા દુઃખો અને નાદુરસ્ત તબિયત માટે આપણા ભાગ્યને કે ગ્રહોને દોષ દઇએ તે બરાબર નથી. ખરેખર તો આપણી નબળી માનસિકતા જ આપણે માટે દુર્ઘટનાનું સર્જન કરતી હોય છે. ઘણું કરીને લોકો આત્મનાશની છુપી મનોવૃત્તિ લઇને જ જીવતા હોય છે.

You might also like