રદ થયેલી ૫૦૦-૧૦૦૦ના દરની રૂ. ૧૭.૭૫ લાખની નોટો સાથે બે શખસ ઝડપાયા

અમદાવાદ: ભારતીય ચલણમાંથી રદ કરવામાં અાવેલ ૫૦૦ અને ૧૦૦૦ના દરની રૂ. ૧૭.૭૫ લાખની જૂની નોટો સાથે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે બે શખસને ઝડપી લઈ સઘન તપાસ શરૂ કરી છે.  પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે રાજકોટમાં વાવડી રોડ પર પુનિતનગર ખાતે અાવેલ સૌરાષ્ટ્ર બિલ્ડર નામની ઓફિસમાં રદ થયેલી રૂ. ૫૦૦ અને ૧૦૦૦ના દરની જૂની નોટો અને રૂ. ૨૦૦૦ અને ૫૦૦ની નવી નોટોનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ પોલીસ અધિકારીને બાતમી મળી હતી.

અા બાતમીના અાધારે ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે ગઈ મોડી રાતે વોચ ગોઠવી ચોક્કસ બાતમી મળતાં જ પુનિતનગર ખાતે અાવેલી સૌરાષ્ટ્ર બિલ્ડર નામની ઓફિસ પર છાપો માર્યો હતો. પોલીસે અા ઓફિસમાંથી જયપ્રકાશ રાજેશભાઈ પટેલ (રહે. શ્રમજીવી સોસાયટી, શેરી નં.૩, અાનંદ બંગલા ચોક, રાજકોટ) પાસેથી રૂ. ૧૦૦૦ના દરની ૨૨૩ નોટો અને રૂ. ૫૦૦ના દરની ૧૬૮૪ નોટો કબજે કરી હતી.

જ્યારે અા જ ઓફિસમાંથી અલી મોહમ્મદ રઝાકભાઈ શેખ (રહે. નેહરુનગર, શેરી નં.૫, અામ્રપાલી સિનેમા પાછળ, રાજકોટ) પાસેથી ૧૦૦૦ના દરની ૨૦૦૦ અને ૫૦૦ના દરની ૫૨૦ જૂની નોટો કબજે કરી હતી. અા શખસો રદ થયેલી જૂની નોટોનો શું વહીવટ કરતા હતા તે અંગે કેટલીક ચોંકાવનારી બાતમી મળી છે. પોલીસે બંનેની ધરપકડ કરી અાગળની તપાસ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like