સિદ્ધનાથ મહાદેવના મહંત અને શિષ્યની મોડી રાતે રહસ્યમય સંજોગાેમાં હત્યા

અમદાવાદ: કલોલ તાલુકાના સઈજ ગામ નજીક અાવેલ સુપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિરના મહંત અને તેના શિષ્યની ગઈ મોડી રાતે કોઈ અજાણ્યા શખસોએ રહસ્યમય સંજોગામાં હત્યા કરતાં અા ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે.  પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે કલોલથી ૫ કિલોમીટર દૂર સઈજ ગામ પાસે સિદ્ધનાથ મહાદેવનું ભવ્ય અને પુરાણું મંદિર અાવેલું છે. અા મંદિરમાં છેલ્લા કેટલાક વખતથી દિલીપગીરી કૈલાસગીરી ગૌસ્વામી મંદિરના મહંત તરીકે હતા અને ઈશ્વર નામનો યુવાન તેમનો શિષ્ય હતો તે મહંતની સેવા ચાકરી કરતો હતો અને બંને ગુરુ શિષ્ય મંદિરના કેમ્પસમાં જ અાવેલા મકાનમાં રહી સેવા પૂજા કરતા હતા.

ગઈ કાલે સાંજે ભગવાનની અારતી પત્યા બાદ અન્ય લોકો પોત પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. મહંત દિલીપગીરી અને શિષ્ય ઈશ્વર જમી પરવારી ઓરડામાં સુતા હતા ત્યારે મોડી રાતે અજાણ્યા શખસો મંદિરમાં ત્રાટક્યા હતા. મંદિરમાં ત્રાટકેલા શખસોએ મંદિરની તમામ ચીજ-વસ્તુઓ વેરણછેરણ કરી નાખી મહંત અને શિષ્યની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાસી છૂટ્યા હતા.

અાજે સવારે કોઈ ભક્ત મંદિરે અાવતાં મહંત અને તેના શિષ્યની લાશ લોહીલુહાણ હાલતમાં પડી હોવાનું જોતાં અા અંગે તાત્કાલીક પોલીસને જાણ કરવામાં અાવી હતી. બનાવની જાણ થતાં ગાંધીનગર એલસીબી પોલીસે, કલોલ પોલીસ અને એસઓજીએ ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની સાથે તાબડતોબ પહોંચી જઈ જુદી જુદી થિયરીથી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. અા ઘટના લૂંટના ઈરાદે બની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે પરંતુ હજુ સુધી ગુનેગારોનું કોઈ પગેરું મળ્યું નથી.

You might also like