તામિલનાડુમાં જીવલેણ જલ્લીકટ્ટુના ખેલમાં વધુ બેનાં મોતઃ ૩૧ ઘાયલ

ચેન્નઇ: તામિલનાડુમાં સાંઢોને કાબૂ કરવાના ખેલ જલ્લીકટ્ટુ ઘાતક પુરવાર થઇ રહ્યો હોવા છતાં સતત તેનો સિલસિલો જારી છે. આ ખેલમાં રાજ્યના પુડ્ડુકોટોઇમાં વધુ બેનાં મોત થયાં છે અને ૩૧ ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર પુડ્ડુકોટોઇ ઇલુપરમાં ૩ર વર્ષના રામુપર જલ્લીકટ્ટુના ખેલ દરમિયાન એક સાંઢે હુમલો કરતાં તેનું મોત થયું હતું. જ્યારે બીજી ઘટના ત્રિચીના જઇપુરમ્ની છે. જ્યાં જીવલેણ ખેલ દરમિયાન સાંઢના હુમલાથી ૩પ વર્ષીય સતીશ નામના યુવકનું મોત થયું હતું.

પુડ્ડુકોટોઇમાં આયોજિત જલ્લીકટ્ટુમાં સૌથી વધુ સંખ્યામાં સાંઢને મેદાનમાં ઉતારવાનો વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત થયો છે. તામિલનાડુના આરોગ્ય પ્રધાન સી. વિજય ભાસ્કરના સમન્વયથી વિરાલિમલાઇમાં સાંઢોને કાબૂ કરવાના આ જીવલેણ ખેલમાં ર,૦૦૦ જેટલા સાંઢને એકત્ર કરવામાં આવ્યા હતા અને તેમને કાબૂમાં કરવા ૮૦૦ લોકો મેદાનમાં ઊતર્યા હતા. આ દરમિયાન આ ઘાતકી ખેલમાં ૩૧ વધુ લોકો ઘાયલ થયા હતા.

વર્લ્ડ કિંગ્સ વર્લ્ડ રેકોર્ડ યુનિયનના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર આ પ્રથમવાર છે કે જ્યારે જલ્લીકટ્ટુ ખેલમાં ર,૦૦૦ સાંઢને ઉતારવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાન પલાનીસામીએ આ આયોજનનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું કે જે લોકો આ ખેલમાં વિજેતા થશે તેમને એવોર્ડમાં સાઇકલ, બાઇક અને કાર ભેટમાં આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ર૦૧૭માં પ્રાણીઓના અધિકાર માટે કામ કરતા કેટલાંયે સંગઠનોએ જલ્લીકટ્ટુનો વિરોધ કર્યો હતો. આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યાર બાદ તામિલનાડુ સરકારે જલ્લીકટ્ટુના ખેલને સત્તાવાર કાનૂની સ્વરૂપ આપી દીધું છે. જોકે સરકારે આ ખેલ માટે કેટલાક નિયમો અને કાયદા બનાવ્યા છે અને તદઅનુસાર આ ખેલનું આયોજન કરવામાં આવે છે. આ નિયમોમાં સાંઢને વશ કરવા ઇચ્છતા લોકોની મેડિકલ તપાસનો પણ સમાવેશ થાય છે.

You might also like